અમેરિકન કૃષિ વિભાગનો અંદાજ ભારતે પાંચ લાખ ટન ખાંડની આયાત કરવી પડશે
મુંબઈ, તા. 20 : અમેરિકી કૃષિ વિભાગ (યુએસડીએ)ના જણાવ્યા મુજબ દેશમાં ખાંડનો વપરાશ વધી શકે છે અને આ સિઝનની પુરાંત ઓછી રહેવાથી અૉક્ટોબરથી શરૂ થનાર ખાંડની 2017-18ની સિઝનમાં ઉત્પાદનમાં સુધાર થવા છતાં ખાંડની આયાત કરવી પડશે.

યુએસડીએએ પોતાના તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે 2017-18ની સિઝનમાં દેશમાં લગભગ પાંચ લાખ ટન ખાંડની આયાત થઈ શકે છે અને 258 લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનો અંદાજ છે, જ્યારે વપરાશ 260 લાખ ટન જેટલી થશે.

આગામી સિઝનમાં મહારાષ્ટ્રમાં શેરડીનો પાક વધવાથી ખાંડનું ઉત્પાદન પણ વધી શકે છે. જોકે, યુએસડીએએ કર્ણાટક, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં શેરડીનો પાક ઓછો થવાની શક્યતા છે. 2017-18ની સિઝનમાં દેશમાં શેરડીનો કુલ વાવેતર વિસ્તાર લગભગ બે લાખ હેકટરથી વધીને 47 લાખ હેકટર થઈ શકે છે. યુએસડીએ એ હાલની 2016-17ની સિઝનમાં દેશમાં ખાંડની આયાત 17 લાખ ટન જેટલી થઈ શકે છે. સરકારે તાજેતરમાં જ પાંચ લાખ ટન ડયૂટીમુક્ત ખાંડની આયાતને પરવાનગી પણ આપી છે. ખાંડ મિલો આ ઉપરાંત પણ આયાત કરવા ઈચ્છતી હોય તો કરી શકે છે, પરંતુ તે માટે તેમને 40 ટકા આયાત ડયૂટી ચૂકવવી પડશે.