સોનામાં છ સપ્તાહનો સૌથી મોટો કડાકો
અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 20 : નફારૂપી વેચવાલીથી સોનામાં છ અઠવાડિયાંનો સૌથી મોટો કડાકો બોલાયા પછી ભાવ 1278 ડૉલરની સપાટીએ મક્કમ રહ્યા હતા. કરન્સી માર્કેટમાં ડૉલરના મૂલ્યમાં ઉછાળો આવવાને લીધે સોનું તૂટયું હતું. જોકે, ઓવરનાઇટની તેજી આજે ઓસરી જતાં યુરો સામે ડૉલર ત્રણ અઠવાડિયાંના તળિયે પહોંચ્યો હતો. ઉત્તર કોરિયાનું ટેન્શન અને ફ્રાન્સમાં ચૂંટણી હોવાને લીધે બજાર વધુ તૂટી ન હતી. જોકે, હવે ગયા અઠવાડિયા જેવું વાતાવરણ નથી, ચિંતા ઘણેખરે અંશે હળવી થઇ ગઇ છે એટલે સોનામાં મોટો કડાકો આવ્યો છે એવું એક વિશ્લેષકે કહ્યું હતુ. સોનું 1292 ડૉલરથી પાછું ફરતા હવે 1272ની સપાટીએ ટેકો મેળવે એમ છે. આ લેવલ તૂટે તો 1260 સુધી આવશે. 1300 ડૉલર વટાવે નહીં ત્યાં સુધી મોટી તેજી થશે નહીં. 

ફંડોની લેવાલી હજુ સારી છે. એસપીડીઆર ગોલ્ડ ફંડે બુધવારે 11.8 ટનની ખરીદી કરી હતી. સપ્ટેમ્બર પછી સૌથી મોટી એક દિવસીય ખરીદી ફંડ દ્વારા કરવામાં આવી હતી. રાજકોટની બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 250ના ઘટાડા સાથે રૂા. 29,700 રહ્યું હતુ. ચાંદી ન્યૂ યૉર્કમાં 18.16 ડૉલરની સપાટીએ હતી. સ્થાનિક બજારમાં રૂા. 50 ઘટીને રૂા. 41,900 હતા.