દહિસરમાં ભાગવત કથાનો આરંભ
દહિસરમાં ભાગવત કથાનો આરંભ મુંબઈ, તા. 20 : ગિરનાર મહિલા મંડળ આયોજિત દહિસરના આંગણે આજથી પૂજ્ય મગનભાઈ રાજ્યગુરુ (પૂ. બાપજી)ના મુખે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનો પ્રારંભ થયો. સુંદર શોભાયાત્રા-પોથીયાત્રામાં હજારો ભક્તો જોડાયા હતા. સંત શ્રી હરિહરાનંદજી ભારતીજી બાપુના તથા પૂ. બાપજીના હસ્તે દીપ પ્રાગટય થયું.

આજે મંગલાચરણ તથા માહાત્મ્ય સાથે કથાનો આરંભ થયો. પૂ. બાપજીએ આજે ગુરુ-શિષ્યની સુંદર કથાનું વિવરણ કર્યું.

ગૌશાળાના લાભાર્થે આ આયોજન હોવાથી બાપજીએ નવ માતા દરેક મનુષ્યના જીવનમાં આવે એમ કહ્યું. મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, કુળદેવીમા, જન્મદેનારી મા, ગૌમાતા જે પોતાના વાછરડાંને ભૂખ્યાં રાખી અને આપણને દૂધ આપે એટલે ગૌમાતાના ઋણમાંથી મનુષ્ય ક્યારેય મુક્ત થઈ શકતો નથી. સાતમી માતા ભૂમિમાતા જેમાં એક દાણો લગાવો, હજારો દાણા કરીને ભૂમિમાતા આપે. પૂજ્ય બાપજીની આજે દહિસરમાં 401મી ભાગવત કથા પ્રારંભ થઈ. બાપજીએ પોતાનું સંપૂર્ણ જીવન શ્રી વિશ્વનાથ વેદ પાઠશાળા જે ગુજરાતમાં નિમંત છે, ત્યાં અર્પણ કર્યું છે. જ્યાં બ્રાહ્મણ બટુકો નિ:શુલ્ક અભ્યાસ કરી રહ્યા છે.

પરીક્ષિત રાજાને શ્રાપ મળ્યો તો પોતે રાજપાટનો ત્યાગ કરી સદ્ગુરુની શોધમાં નીકળ્યા. સાત દિવસમાં શુકદેવજી મહારાજના મુખે મોક્ષદાયીની કથા સાંભળી, અંતે પરીક્ષિત રાજાનો મોક્ષ થયો.