કઠોળ મિલોની છડવાની ક્ષમતા વધારવાની વિચારણા
નવી દિલ્હી, તા. 18 : કઠોળના ઉત્પાદન અને વપરાશ વચ્ચેનો સમયગાળો ઘટાડવા તેના ઉત્પાદક રાજ્યોમાં મિલોની છડવાની ક્ષમતા વધારવાનું સરકાર વિચારી રહી છે. આમ કરવાથી આખા કઠોળ બજારમાં આવવાનું ચાલુ થાય તે પછી ગ્રાહકો સુધી ઓછા સમયમાં કઠોળ પહોંચાડવાનું શક્ય બનશે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં કઠોળની લગભગ 10,000 મિલો છે, જે દૈનિક 10-20 ટનના ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. કઠોળના છડવામાં મુખ્યત્વે કઠોળની બહારનું ફોતરું કાઢીને તેના અડધોઅડધ બે ભાગ કરવાના હોય છે. પરંપરાગત મિલોમાં માત્ર 65-70 ટકા જેટલા દાણા છડાય છે, જ્યારે આધુનિક મિલોમાં તે પ્રમાણ 90 ટકા જેટલું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કઠોળ છડવાની પૂરતી આધુનિક મિલોના અભાવે કુલ પાકનો લગભગ 25-30 ટકા હિસ્સો વેડફાઈ જાય છે.

આ વર્ષે કઠોળનો પાક ઘણો સારો થયો હોવા છતાં કેટલીક છૂટક બજારોમાં કઠોળના ભાવ ટેકાના ભાવ કરતાં ઘણાં ઊંચા છે. જે માટે મિલોની અપૂરતી ક્ષમતા કારણરૂપ હોઈ શકે છે. આને કારણે ખેડૂતની પેદાશ આખરે વપરાશકાર સુધી પહોંચવામાં વિલંબ થાય છે, એમ અન્નપ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું હતું.

પાસવાને કહ્યું હતું કે સરકાર બધા હિતધારકો સાથે ટૂંક સમયમાં ચર્ચા-વિચારણા શરૂ કરશે અને જે રાજ્યોમાં કઠોળનો પાક લેવાય છે તેમાં આધુનિક મિલોના વિકાસને પ્રોત્સાહન આપવા ખેતીની વ્યાપક નીતિ ઘડવા વિશે પણ વિચારણા કરશે. દેશમાં 80 ટકાથી વધુ કઠોળ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાંથી આવે છે.

2016-17માં દેશમાં કઠોળનું કુલ ઉત્પાદન 224 લાખ ટન થયું હોવાનો અંદાજ છે. તેમાં 50 લાખ ટનની આયાત ઉમેરાતા કુલ પ્રાપ્યતા 274 લાખ ટનની થાય છે. જ્યારે વપરાશ લગભગ 246 લાખ ટનનો અંદાજાય છે. આનો અર્થ એ કે 28 લાખ ટન કઠોળ પુરાંતમાં રહેશે એમ પાસવાને  કહ્યું હતું.

જોકે, કેટલીક છૂટક બજારમાં ભાવ ટેકાના ભાવ કરતાં ઘણાં ઊંચા હોવા છતાં સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રહી છે.