સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ શરદ પવારે નકાર્યો
મુંબઈ, તા. 18 : રાષ્ટ્રપતિપદ માટે વિરોધ પક્ષો તરફથી શરદ પવારને ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ કૉંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી તરફથી મૂકવામાં આવ્યો હતો પરંતુ શરદ પવારે તે નકારી કાઢયો હતો એમ રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું.

પાટનગર દિલ્હીમાં સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે મુલાકાત યોજાઈ હતી. તેમાં રાષ્ટ્રીય સ્તરે રાજકીય સ્થિતિ અને રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી અંગે ચર્ચા થઈ હતી. બંને નેતાઓ વચ્ચેની બેઠક પછી પવારને વિરોધપક્ષોના ઉમેદવાર બનાવવા વિશે ચર્ચાને વેગ મળ્યો હતો. ભાજપએ આ મુદ્દાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો છે. ભાજપની નેતાગીરી શિવસેના, અન્નાદ્રમુક અને દ્રમુક સહિત કેટલાંક પ્રાદેશિક પક્ષોનો ટેકો મેળવવા પ્રયત્નશીલ છે. તેનો અંદાજ આવતા શરદ પવારે રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હોવાનું કહેવાય છે.

રાષ્ટ્રપતિપદ અંગે રાષ્ટ્રવાદીના વલણ અંગે પુછાતા મલિકે જણાવ્યું હતું કે શરદ પવાર સ્પર્ધામાં નથી. સોનિયા ગાંધીના પ્રસ્તાવને પવારે નકાર્યો છે. શિવસેનાનું વલણ બેમોઢાંળું છે. તે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સત્તા ભોગવે છે. સાથોસાથ ભાજપની સતત ટીકા કરે છે. આમ છતાં શિવસેના સત્તા ઉપરથી બહાર નીકળી શકે એમ નથી. 

આ શિવસેનાનું રાજકીય સ્વાભિમાન છે.

મહારાષ્ટ્રના ખેડૂતો વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન પાડુરંગ ફૂંડકર વિદેશ પ્રવાસે ગયા છે તે બાબત ખરેખર સંતાપજનક છે એમ મલિકે ઉમેર્યું હતું.