ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આઠ જૂને ચૂંટણી
અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 18: ગુજરાતમાંથી રાજ્યસભાના સાસંદ બનેલા ત્રણ સભ્યોની મુદત 18 અૉગસ્ટે પૂર્ણ થઇ રહી છે. ગુજરાતમાંથી કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ, ભાજપના સાસંદ દિલીપ પંડયા અને કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઇરાનીની ટર્મ પૂર્ણ થઇ રહી છે. આ ત્રણેય બેઠકો માટે 8 જૂનના રોજ ચૂંટણી યોજાશે. 

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું 22 મે ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 29 મે છે જ્યારે ઉમેદવારીપત્રની ચકાસણી 30 મે ના રોજ કરવામાં આવશે. ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ 1 જૂન છે. ચૂંટણી 8 જૂનના રોજ સવારના 9 વાગ્યે થી 4 વાગ્યા સુધી યોજાશે. જ્યારે તેનું પરિણામ 8 જૂનના રોજ સાંજે 5 વાગ્યે જાહેર કરવામાં આવશે.

કેન્દ્રીય સ્તરે કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલની રાજ્યસભામાં અત્યારે આ ચોથી ટર્મ છે. ભાજપના સ્મૃતિ ઇરાનીની રાજ્યસભામાં આ પહેલી ટર્મ પૂરી થઇ રહી છે પણ તેઓ અત્યારે કેન્દ્રમાં કેબિનેટ પ્રધાન હોઇ તેમને પણ પક્ષ દ્વારા રિપીટ કરવાની શક્યતા વ્યક્ત થઇ રહી છે. ભાજપના અન્ય એક રાજ્યસભાના સાંસદ દિલીપ પંડયાની પહેલી ટર્મ પૂરી થઇ રહી છે. જોકે, હવે બીજી વાર તેમને રિપીટ થાય તેવી બહુ ઓછી શક્યતા હોવાનું જોવાઇ રહ્યું છે.