મને જીતની ખાતરી હતી : હરીશ સાળવે
મને જીતની ખાતરી હતી : હરીશ સાળવે વડા પ્રધાને આપ્યાં અભિનંદન

લંડન, તા. 18 : કુલભૂષણ જાધવનો કેસ લડવા હેગ પહોંચેલા ભારતના સિનિયર ઍડવોકેટ હરીશ સાળવેએ કરેલી દલીલોના પગલે ભારતને જીત મળતાં દેશ-વિદેશથી તેમને અભિનંદન મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાસ અભિનંદન આપ્યાં છે.

એક ટીવી ચૅનલને મુલાકાત આપતાં તેમણે કહ્યું હતું કે `હું 40 વર્ષથી લૉયર છું. જજ જે રીતે તમારી સાથે વર્તન કરતા હોય એના પરથી ખબર પડી જાય કે કેસમાં શું થવાનું છે. આ કેસમાં હું જ્યારે દલીલ કરતો હતો ત્યારે મને સકારાત્મક એનર્જી દેખાતી હતી. મને લાગતું હતું કે હું જજો સુધી મારી વાત પહોંચાડી  શકું છું. જ્યારે સામેના પક્ષવાળા તેમની દલીલો રજૂ કરતા હતા ત્યારે જજો તેમની સાથે કનેક્ટ થયા નહોતા આથી આપણી જીત થશે એની મને ખાતરી હતી.'

ફી વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે જ્યારે તમને કોઈ કેસમાં વિશ્વાસ બેસી જાય ત્યારે તમે એ કેસ નિ:શુલ્ક લડો છો. ભારત સરકારે આ કેસમાં પ્રાથમિક તબક્કે મારી સલાહ માગી હતી અને તેથી આ કેસ વિશે રિસર્ચ કરીને મેં તૈયારી કરી હતી.