ચોમાસા પહેલાં મુંબઈના રોડનાં 30 ટકા કામો પૂરાં નહીં થાય
મુંબઈ, તા. 18 : ચોમાસા પહેલાં શહેરનાં રોડનાં કામો પૂર્ણ કરવા માટે પાલિકા કમિશનર અજૉય મેહતાએ આપેલી મુદ્દત બે દિવસ બાદ પૂરી થવાની છે, પરંતુ પાલિકાનું પ્રશાસન અને કૉન્ટ્રેક્ટરો રોડના લગભગ 30 ટકા કામ પૂરાં કરી શકે એમ નથી. હાલમાં શહેરના 931 રોડનાં વિવિધ પ્રકારનાં કામ ચાલી રહ્યાં છે તેમાંથી 305 રોડનાં કામ હવે ચોમાસા બાદ અૉક્ટોબરથી કરવા પડશે. 

પાલિકાના રોડ વિભાગે ત્રણ કેટેગરીમાં રોડનાં કામ હાથ ધર્યાં હતાં, તેમાંથી કેટેગરી ટુમાં સમાવિષ્ટ મોટા ભાગના રોડનાં કામો પૂરાં થઇ શકે એમ નથી. પ્રોજેક્ટેડ રોડ કેટેગરી અંતર્ગતના કુલ 558 રોડમાંથી 108 અને પ્રાયોરિટી ટુ અંતર્ગતના 257માંથી 197 રોડનાં કામ હવે ચોમાસા બાદ કરાશે, એમ પાલિકાનાં સૂત્રોએ જણાવ્યું હતું. ચોમાસા પૂર્વેની કામગીરી અંતર્ગત ખાસ તો 20 મે સુધીમાં શહેરના રોડના ખાડા પુરવા તેમ જ સમારકામો કરી લેવાની સમયમર્યાદા પાલિકા કમિશનરે આપેલી છે. હવે ચોમાસા સુધીમાં આવા કેટલાય રોડનાં કામો પણ પૂરાં થઇ શકે એમ નથી તેથી વરસાદમાં મુંબઈમાં ટ્રાફિકની હાલાકી પાકી છે.