મુલુન્ડમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થયા બાદ ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ
મુલુન્ડમાં બસ અને ટ્રક વચ્ચે ટક્કર થયા બાદ ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ સદ્ભાગ્યે કોઈ જાનહાનિ નહીં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મુલુન્ડમાં આજે સવારે છ વાગ્યે થયેલા એક અકસ્માતમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ટ્રક દુકાનની અંદર ઘૂસી ગઈ હતી. સદ્ભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ ટ્રકના ડ્રાઇવરને ઈજા થઈ હોવાથી જે જે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બનાવ નજરે જોનારા પ્રમાણે સવારે છ વાગ્યે 512 નંબરના રૂટની બસ મુલુન્ડ ડેપોથી ઉપડીને નવી મુંબઈ જવાની હતી. બસ પાંચ રસ્તાથી સ્ટેશન તરફ જતી હતી. બીજી તરફ લીલા નાળિયેર ભરેલી ટ્રક ગણેશ ગાવડે રોડથી આવતી હતી. પૂરપાટ વેગમાં આવતી ટ્રક અને એટલા જ વેગમાં આવતી બસની ટક્કર થતાં ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ હતી. બસના આગળના ભાગને નુકસાન થયું હતું.

ટ્રક જે પ્રોવિઝન સ્ટોરના દુકાનમાં ઘૂસી ગઈ હતી એ દુકાનના માલિક યોગેશ શાહે કહ્યું હતું કે અકસ્માત થયો ત્યારે હું ઘરે હતો. મારા એક ઓળખીતા મને એક્સિડન્ટની જાણ કરવા ઘરે આવ્યા હતા. ટ્રક મારી દુકાનમાં ઘૂસી જતાં મારું દુકાનનું બોર્ડ અને શો કેસ તૂટી ગયા છે, હું વળતર માટે વીમા કંપનીમાં દાવો કરીશ.