સ્ટેમ્પ ડયૂટીમાં વધારો કરાયાનો સરકારનો ઇન્કાર
મુંબઇ, તા. 19 : રાજ્ય સરકારને મૂંઝવણમાં મૂકનારી એક હિલચાલમાં તેણે સ્થાવર મિલકતની ગિફ્છટ ડીડ પર સ્ટેમ્પ ડયૂટી વધારવાના કૅબિનેટના નિર્ણયને ફેરવી તોળ્યો હતો અને તેને માટે `કોમ્યુનિકેશન ગૅપ'ને જવાબદાર ગણાવ્યું હતું.

શિવસેનાએ મંગળવારે લેવાયેલા આ નિર્ણયની ટીકા કરી હતી અને તેનો વિરોધ કરવા શેરીઓમાં ઊતરવાની ચીમકી આપી હતી. મહેસૂલ પ્રધાન ચંદ્રકાન્ત પાટીલે જણાવ્યું હતું કે તેમણે આવી લેવડદેવડ પર હાલ આકારાતી રૂા. 500ની સાધારણ રકમમાં કોઇ જ ફેરફાર કર્યો નથી.

સૂત્રોના જણાવવા મુજબ 2015ના સુધારામાં પિતા અને તેનાં સંતાનો, ગ્રાન્ડ ચાઇલ્ડ અને તેના ગ્રાન્ડ પેરન્ટ્સ તેમ જ વિધવા અને તેના સાસરાવાળાઓ દ્વારા કે તેઓ પાસેથી ગિફ્છટ ડીડ ટ્રાન્સફર પરની સ્ટેમ્પ ડયૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

જોકે, તેમાં ભાઇ અને બહેન, પતિ અને પત્ની જેવા અમુક સંબંધો વચ્ચેની લેવડદેવડને આ મુક્તિના મર્યાદા ક્ષેત્રથી બાકાત રખાયા હતા અને તેના પર રેડી રેકનર (આરઆર) દરના બે ટકાની ડયૂટી આકારવાનું ચાલુ રખાયું હતું - જે વધારી 3 ટકા કરાઇ હતી.

આના કારણે રૂા. 500 કરોડની મહેસૂલી ખોટ જવા ઉપરાંત અનેક લેતીદેતી બાબતે ફરિયાદો પણ કરવામાં આવી હતી.