રમજાનમાં આખી રાત દુકાનો ખુલ્લી રાખવા સરકારની મંજૂરી
રમજાનમાં આખી રાત દુકાનો ખુલ્લી રાખવા સરકારની મંજૂરી મુંબઇ, તા. 19 : ગત બે વર્ષથી રમજાન દરમિયાન આખી રાત ખુલ્લી રહેતી દુકાનોને આ વર્ષે પણ આખી રાત ખુલ્લી રાખવાની મંજૂરી મહારાષ્ટ્ર સરકારે આપી દીધી છે. આ માટે રાજ્યના શ્રમ મંત્રાલયે નોટિફિકેશન પણ જારી કરી દીધું હોઇ હવે રાજ્યના મુસ્લિમ બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં રમજાન વખતે આખી રાત દુકાનો ખુલ્લી રહી શકશે.

રોજા રાખનારા સરકારી કર્મચારીઓના કામકાજમાં કાપ મૂકવાની માગણી પણ સરકારે સ્વીકારી લીધી છે. આ પહેલાં રાજ્યમાં રમજાન વખતે એક મહિના સુધી આખી રાત દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી અપાતી હતી, પરંતુ ભાજપ સરકાર આવ્યા બાદ તેના પર રોક લગાવાઇ હતી.

શરતી મંજૂરી

રાજ્યના  શ્રમ મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવાયું છે કે 27 મેથી શરૂ થનારા રમજાન મહિનામાં અમુક શરતો સાથે 27 મેથી 27 જૂન સુધી દુકાનો રાતભર ખુલ્લી રાખી શકાશે.

જનતા દળે ચૂંટણીલક્ષી નિર્ણય ગણાવ્યો

રાજ્યની બે મહાનગર-પાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે અને ત્યાં ભાજપે મોટી સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા છે તેના પર પ્રતિક્રિયા આપતાં જનતા દળ (એસ)એ જણાવ્યું હતું કે ભિવંડી અને માલેગાંવ પાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકારે આ નોટિફિકેશન જારી કર્યું છે.