ટ્રમ્પની મુશ્કેલી વધી : હવે FBIના પૂર્વ ડિરેક્ટર રશિયા સાથે સંબંધોની તપાસ કરશે
વાશિંગ્ટન, તા. 19 : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા સાથે પોતાના સંબંધોની તપાસ કરી રહેલા એફબીઆઈના નિર્દેશક જેમ્સ કોમીને બરતરફ કરી દીધા છે, પણ હવે મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે એફબીઆઈના પૂર્વ નિર્દેશક રોબર્ટ મ્યુલરની નિમણૂક કરવામાં આવી છે. તે નિમણૂક ડેપ્યુટી એટર્ની જનરલ રૉડ રોસેન્સ્ટીને કરી છે. મ્યુલક 72 વર્ષના છે અને જ્યોર્જ બુશ અને બરાક ઓબામાના કાર્યકાળમાં 2001થી 2013 સુધી તેઓ એફબીઆઈના નિર્દેશક રહ્યા હતા. રોસેન્સ્ટીને ગુરુવારે કહ્યું હતું કે તેમણે નિર્ણય 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન રશિયન સરકારની દખલના પ્રયાસોની ઊંડી તપાસ માટે કરાયો છે. તપાસમાં રશિયન સરકાર અને ડોનાલ્ડ ટ્રમ્પના ઈલેક્શન કેમ્પેઈનમાં સામેલ કોઇ પણ વ્યક્તિના સંપર્કોની પણ તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ મામલે સ્પેશિયલ કાઉન્સિલ જરૂરી છે, જેથી અમેરિકન જનતાનો ન્યાય પ્રક્રિયામાં વિશ્વાસ ટકે.