રવિ શાત્રીની પસંદનો ભરત અરુણ બૉલિંગ કૉચ બને તેવી શક્યતા
મુંબઇ તા.16: આખરે બીસીસીઆઇ અને સંચાલન સમિતિ (સીઓએ)એ હેડ કોચ રવિ શાત્રીની પસંદગી પર મહોર મારીને ભરત અરૂણને બોલિંગ કોચ બનાવવા માટેની લીલીઝંડી આપી દીધાના રિપોર્ટ છે. બીસીસીઆઇના સૂત્રોમાંથી મળતી જાણકારી અનુસાર પ4 વર્ષીય ભરત અરૂણ શ્રીલંકાના પ્રવાસમાં ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ બનીને તેમનો કાર્યકાળ શરૂ કરશે. 

રિપોર્ટ અનુસાર સંચાલન સમિતિના  સભ્ય ડાયના એડલજી અને બોર્ડના અધિકારીઓ સીકે ખન્ના, અમિતાભ ચૌધરી અને સીઇઓ રાહુલ જોહરી હેડ કોચ તરીકે નિયુકત થયેલા રવિ શાત્રી સાથે મંગળવારે બેઠક કરશે. આ પછી ભરત અરૂણની બોલિંગ કોચ તરીકે સત્તાવાર જાહેરાત થવાની પૂરી સંભાવના છે. 

શાત્રી અને અરૂણની દોસ્તી ત્રણ દશકા જૂની છે. ભરત અરૂણ 1979ના શ્રીલંકાના અન્ડર-19 ટીમના પ્રવાસમાં ગયો હતો. ત્યારે એ ટીમનો સુકાની રવિ શાત્રી હતો.  ભરત બે ટેસ્ટ અને ચાર વન ડે રમવાનો અનુભવ ધરાવે છે. જો બે બોલિંગ કોચના રૂપમાં તેને વધુ સફળતા મળી છે. 

શાત્રીને સાત કરોડ મળશે

ટીમ ઇન્ડિયાના હેડ કોચ પદે નિયુકત થયેલા રવિ શાત્રીની વાર્ષિક સેલેરી નકકી કરવા માટે સંચાલન સમિતિને એક કમિટિ બનાવી છે.  આ કમિટિ હેડ કોચ અને સપોર્ટ સ્ટાફનું વેતન નકકી કરશે. સમિતિમાં બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરી  અને કાર્યવાહક અધ્યક્ષ સીકે ખન્ના છે. આ લોકો 19મીએ બેઠક કરીને વેતન નકકી કરશે. રિપોર્ટ અનુસાર રવિ શાત્રીની વાર્ષિક સાત કે સાડા સાત કરોડ રૂપિયા વાર્ષિક વેતન ઓફર થશે. જયારે બોલિંગ-બેટિંગ અને ફિલ્ડીંગ કોચને 2 કરોડ ઓફર કરાશે. છેલ્લે અનિલ કુંબલેને બોર્ડ સાત કરોડ ચૂકવતું હતું.