કેન્દ્ર સરકારે વેપારીઓને કર્યો અનુરોધ 30મી જુલાઈ સુધી રાહ જોવાને બદલે જીએસટી માટે રજિસ્ટ્રેશન કરાવો
મુંબઈ, તા. 16 : કેન્દ્ર સરકારે વેપારીઓને અનુરોધ કર્યો છે કે ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ માટે રજિસ્ટ્રેશન વહેલી તકે કરાવી લેવું અને 30મી જુલાઈએ તેની સમયમર્યાદા પૂરી થાય નહીં ત્યાં સુધી થોભવું નહીં.

નાણાં મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે ગત નાણાકીય વર્ષમાં જેઓનું કુલ ટર્નઓવર 20 લાખ રૂપિયા કરતાં વધારે હોય (સ્પેશિયલ કેટેગરીના રાજ્યોમાં દસ લાખ રૂપિયા) તો તેઓએ જ્યાં કરવેરા માલનો પુરવઠો કરાતો હોય એ બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધણી કરાવવી પડશે. આમ છતાં જેઓને જીએસટી લાગુ પડતો ન હોય એવી ચીજવસ્તુ કે સેવાના ક્ષેત્રમાં હોય તેઓએ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. રજિસ્ટ્રેશનની પ્રણાલી સરળ છે. વેપારીઓ દુકાન કે કચેરી કે ઘરમાં બેસીને http://www.gst.gov.in/. ઉપર અૉનલાઇન અરજી ભરી શકે છે. તેના માટે પેનકાર્ડ, ઇ-મેલ આઇ.ડી. અને મોબાઇલ ફોન નંબરની જરૂર પડે છે.

એકવાર તે અરજીની વિગતોની ચકાસણી થઈ જાય પછી તેઓને વેપારધંધા વિશેની માહિતી આપવાનું કહેવામાં આવે છે. જ્યાં સુધી કહેવામાં આવે નહીં ત્યાં સુધી ફિઝિકલી એટલે કે વ્યક્તિગત રીતે કોઈ દસ્તાવેજ આપવાની જરૂર હોતી નથી. બધા આવશ્યક દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરી શકાય છે. જો કોઈ પ્રશ્ન (કવેરી) પૂછવામાં આવે નહીં તો અરજી પછીના કામકાજના ત્રણ દિવસોમાં રજિસ્ટ્રેશન થઈ ગયું એમ સમજી લેવું. રજિસ્ટ્રેશન કરાવવું એ વેપારીના પોતાના જ હિતમાં છે. જે વેપારી રજિસ્ટ્રેશન કરાવવા માટે પાત્ર છે, આમ છતાં પણ જો તે રજિસ્ટ્રેશન કરાવે નહીં તો તેને ઇનપુટ ટૅક્સ ક્રેડિટનો લાભ નહીં મળે એટલું જ નહીં પરંતુ તેની પાસેથી માલસામાન ખરીદનારાઓને પણ તે લાભ (ઇનપુટ ટૅક્સ ક્રેડિટ) નહીં મળે. ઉપરાંત રજિસ્ટ્રેશન નહીં કરાવનાર વેપારી પેનલ્ટી (દંડ)ને પણ પાત્ર ઠરશે એમ નાણાં મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે.