ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં રેલવે વિકાસનાં ઘણાં કાર્યો થશે : સુરેશ પ્રભુ
ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં રેલવે વિકાસનાં ઘણાં કાર્યો થશે : સુરેશ પ્રભુ મુંબઈથી (વાયા અમદાવાદ) જોધપુર અને બિકાનેર માટે બે નવી ટ્રેનો શરૂ થશે

મુંબઈ, તા. 16: રેલવે મંત્રાલય ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં  રેલવે સર્વિસ વધારવા માટે પ્રયત્નશીલ છે અને આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોને દેશના રેલ નેટવર્ક સાથે જોડી દેવામાં આવશે.

રાજસ્થાન મીટર ગેજ પ્રવાસી સંઘ દ્વારા આયોજિત રેલ વિકાસ સંવાદ કાર્યક્રમમાં બોલતાં રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ કહ્યું હતું કે આગામી થોડા સમયમાં મુંબઈથી અમદાવાદ, મહેસાણા અને પાલનપુર માર્ગે જોધપુર અને બિકાનેર માટે બે નવી ટ્રેનો શરૂ કરવામાં આવશે. તેમાંથી એક ટ્રેન પાલનપુર, ભીલડી, રાનીવાડા, ભીનમાલ, જાલોર અને સમદડી થઈને જોધપુર પહોંચશે. ગુજરાતમાં સુરત અને ગાંધીનગર સહિત 20 રેલવે સ્ટેશનોનો વિકાસ કરવામાં આવશે. હાલમાં અમદાવાદ  - દિલ્હી વચ્ચે ડબલ લાઈનનું કામ ચાલી રહ્યું છે અને તે બાદ આ માર્ગનું ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવશે.

સુરેશ પ્રભુએ વધુમાં જણાવ્યું હતું કે ગાંધીનગર રેલવે સ્ટેશન પર 300 રૂમ ધરાવતી ફાઈવસ્ટાર હોટેલ બાંધવામાં આવશે. આ સ્ટેશન દેશમાં એક ઉદાહરણ પૂરું પાડશે. દેશમાં આગામી પાંચ વર્ષમાં 16,500 કિલોમીટર રેલવે માર્ગનું ડબલિંગ કામ પૂરું થશે.

આ કાર્યક્રમમાં વિધાનસભ્યો મંગલ પ્રભાત લોઢા, રાજપુરોહિત, પ્રવાસી સંઘના અધ્યક્ષ ચમ્પત મુત્તા, મહામંત્રી નિરંજન રાંકા, સચિવ નિરંજન પરિહાર સહિત 600 લોકો ઉપસ્થિત રહ્યા હતા.