કૃષિ ખાતાએ જિલ્લા કલેકટરો પાસે મગાવી વિગત ખેડૂત તરીકે તુવેર વેચનારા 4000 જણની તપાસ શરૂ
3401 કરોડમાં 67,34,717 ક્વિન્ટલ તુવેરની ખરીદી થઈ

મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં પોતાને ખેડૂત તરીકે ઓળખાવીને ખરીદી કેન્દ્રોમાં તુવેર વેચનારા લગભગ 4000 જણા વિરુદ્ધ રાજ્ય સરકારે તપાસ શરૂ કરી છે.

મહારાષ્ટ્રના કૃષિ ખાતાના પ્રિન્સિપલ સેક્રેટરી બિજયકુમારે બધા જિલ્લા કલેકટરોને આદેશ આપ્યો છે કે જેઓએ ખરીદી કેન્દ્રો ઉપર પોતાની ખેડૂત તરીકે ઓળખ આપીને તુવેર વેચી છે તેઓ અંગે વિસ્તૃત અહેવાલ આપવામાં આવે. અમને આગામી દસ દિવસમાં તે અહેવાલ મળી જાય એવી શક્યતા છે. 7/12ના ઉતારા અને બૅન્કના ખાતાના વ્યવહાર ઉપરથી જણાય છે કે લગભગ 4000 જણાએ પોતાને ખેડૂત તરીકે રજૂ કરીને તુવેર વેચી છે. બધા જિલ્લા કલેકટરો પાસેથી અહેવાલ મળે પછી સ્થિતિ સ્પષ્ટ થશે એમ તેમણે ઉમેર્યું હતું.

કૃષિ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારને શંકા છે કે કેટલાક વેપારીઓએ પોતાને ખેડૂત તરીકે ઓળખાવીને તુવેર વેચી છે. રાજ્ય સરકારે માત્ર ખેડૂતો પાસેથી ક્વિન્ટલ દીઠ 5050 રૂપિયા ભાવે તુવેર ખરીદવાની જાહેરાત કરી હતી. તેનો લાભ વેપારીઓએ લીધો હોવાની શક્યતા છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગત મે મહિનામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તુવેરની ખરીદીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર હોવાની શંકા વ્યક્ત કરી હતી. તુવેરની ખરીદીનું કામ પૂર્ણ થયા પછી મહારાષ્ટ્ર સરકારને જ્યાં ખામી કે અનિયમિતતા જણાઈ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રનાં તુવેર ખરીદી કેન્દ્રોનો લાભ 3,54,417 ખેડૂતોએ લીધો હતો. મહારાષ્ટ્ર સરકારે 67,34,717 ક્વિન્ટલ તુવેર 3401 કરોડ રૂપિયામાં ખરીદી હતી. તેમાંથી 2817 કરોડ રૂપિયા ચૂકવી દેવાયા છે.