`આઇફા''માં `નીરજા'' બની શ્રેષ્ઠ ફિલ્મ
`આઇફા''માં `નીરજા'' બની શ્રેષ્ઠ ફિલ્મ ભવ્ય સમારોહમાં `ઉડતા પંજાબ'ની જોડી આલિયા ભટ્ટ, શાહીદ કપૂર શ્રેષ્ઠ કલાકાર; રહેમાનનું સન્માન

નવી દિલ્હી,તા.16 : ન્યૂયોર્કમાં યોજાયેલા ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (આઈઆઈએફએ) પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે `નીરજા'એ મેદાન માર્યું હતું. શ્રેષ્ઠ અભિનેત્રી  અને શ્રેષ્ઠ અભિનેતા તરીકે `ઉડતા પંજાબ'ની જોડી આલિયા ભટ્ટ અને શાહીદ કપૂર રહ્યા હતા. 

રંગારંગ કાર્યક્રમો અને બોલીવૂડના કલાકારોની ઉપસ્થિતિ ધરાવતા આ સમારોહના એવોર્ડ વિતરણના આકર્ષણ ધરાવતા કાર્યક્રમમાં નીરજાએ `ઐ દિલ હૈ મુશ્કિલ', `એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી', `િપંક', `સુલતાન' અને ઉડતા પંજાબ જેવી ફિલ્મોને પાછળ રાખી દઈને શ્રેષ્ઠ ફિલ્મનો આ મહત્ત્વનો પુરસ્કાર પોતાના નામે કર્યો હતો.

આ સિવાય એમ.એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર અનુપમ ખેરને મળ્યો હતો. શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે `નીરજા' માટે શબાના આઝમી પસંદ થયાં હતાં. અભિનેત્રી દિશા પાટનીને `એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી માટે શ્રેષ્ઠ ફિમેલ ડેબ્યૂ જ્યારે દિલજિત દોસાંઝને ઉડતા પંજાબ માટે શ્રેષ્ઠ મેલ ડેબ્યૂ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

અભિનેત્રી તાપસી પન્નુ વુમન ઓફ ધ યર બની હતી જ્યારે સ્ટાઈલ આઈકોનનો એવોર્ડ આલિયા ભટ્ટને મળ્યો હતો. 

બે ઓસ્કાર પુરસ્કાર જીતનારા સંગીતકાર એ.આર. રહેમાનને સન્માનવા માટે એક સંગીત કોર્ન્સ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કલાકારો દ્વારા  ગ્રીન પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે ખરાબ હવામાનને કારણે છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યું હતું.

ન્યૂયોર્કના મેટલાઈફ સ્ટેડિયમમાં યોજાયેલા ત્રણ દિવસના 18મા આઈફા એવોર્ડસનું સંચાલન બોલીવૂડ અભિનેતા સૈફઅલી ખાન અને દિગ્દર્શક કરણ જોહરે સંભાળ્યું હતું. ઝાકઝમાળભર્યા સમારોહનો આરંભ ફેશન-શોથી થયો હતો.