આધુનિકીકરણ માટે સેનાએ માગ્યા 27 લાખ કરોડ
ચીન અને પાકિસ્તાન સાથેના તનાવ બાબતે ભારતીય સેના ગંભીર

નવી દિલ્હી, તા. 16 : ચીન હને પાકિસ્તાન સાથે સરહદ ઉપર તનાવની પરિસ્થિતિને ભારત ગંભીરતાથી લઈ રહ્યું છે. એક તરફ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સતત શસ્ત્રવિરામ ભંગ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ડોકલામ મુદ્દે ચીન દ્વારા પણ યુધ્ધની ધમકીઓ આપવામાં આવી છે. આ સ્થિતિમાં ચીન અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાના આધુનિકરણ ઉપર ધ્યાન દેવામાં આવી રહ્યું છે. હથિયારોના આધુનિકરણના હેતુથી ભારતીય સેનાએ આગામી પાંચ વર્ષ માટે 27 લાખ કરોડ રૂપિયાના બજેટની માગ કરી છે. 

સેના માટે 2017 થી 2022ના પાંચ વર્ષ માટે 27 લાખ કરોડનું રક્ષા બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આગામી યુનિફાઈડ કમાન્ડરોના સંમેલનમાં 13મી રક્ષા યોજના રજૂ કરવામાં આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સિક્કિમ મામલે ચીન દ્વારા સતત ધમકી આપવામાં આવી રહી હોવા ઉપરાંત કાશ્મીરમાં પણ પાકિસ્તાનની અવળચંડાઈ રહી છે તેવા સમયે 13મી રક્ષા યોજના મંજૂર કરવામાં આવે તેના ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ યોજનાને મંજૂરી મળતાની સાથે જ સેનાના આધુનિકરણની દિશામાં મહત્ત્વની કામગીરી શરૂ કરવામાં આવશે. રક્ષા મંત્રી અરૂણ જેટલીએ એક પરિષદમાં સેનાને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ નવી યોજનાને મંજૂરી આપવામાં આવશે. છેલ્લા લાંબા સમયથી બજેટમાં સુરક્ષા ક્ષેત્રે કાપ મૂકવામાં આવતો હોવાથી આધુનિકરણની દિશામાં કામ થઈ શક્યું નથી. ત્યારે સેના, વાયુદળ અને નૌકાદળને આ સમયે સજ્જ કરવા ખૂબ જરૂરી બન્યા છે.