આજે રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી રામનાથ કોવિન્દનો વિજય નિશ્ચિત : વિપક્ષમાં ક્રોસ વૉટિંગની સંભાવના
આજે રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી રામનાથ કોવિન્દનો વિજય નિશ્ચિત : વિપક્ષમાં ક્રોસ વૉટિંગની સંભાવના નવી દિલ્હી, તા.16: આવતીકાલે ભારતના 14મા રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે જેમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિન્દ અને યુપીએના ઉમેદવાર મીરા કુમાર વચ્ચે સીધો જંગ છે. બંને ઉમેદવારો દલિત સમુદાયના છે. આ ચૂંટણીને બે દલિતો વચ્ચેની હરિફાઈ તરીકે જોવામાં આવતી હતી. રામનાથ કોવિન્દનો વિજય સુનિશ્ચિત હોવાનું કહેવાઈ રહ્યું છે. તો બીજી તરફ મીરા કુમાર બાબતે વિપક્ષમાં ક્રોસ વોટિંગની સંભાવના દેખાઈ રહી છે. 

રામનાથ કોવિન્દે પણ સ્પષ્ટ કર્યું હતું કે, રાષ્ટ્રપતિ કોઈ પક્ષનો નથી હોતો. તેના માટે તમામ લોકો અને પક્ષ સમાન હોય છે. તેમજ વિકાસ જ મુખ્ય ધ્યેય છે. જોકે  મીરા કુમારે કહ્યું હતું કે, આ વિચારધારની જંગ છે. 

રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી ઈલેક્ટ્રોલ કોલેજ પદ્ધતિથી થશે જેમાં લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના સભ્યો દ્વારા મત આપવામાં આવશે. 20 જુલાઈએ મતગણતરી થશે. નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ પદભાર સંભાળશે. 

રામનાથ કોવિન્દને 63 ટકા મત મળવાની સંભાવના છે.

કોવિન્દને એનડીએ અન્ય સાથી પક્ષોનું બહોળું સમર્થન મળી રહ્યું છે તો બીજી તરફ તૃણમુલ કોંગ્રેસ, સીપીએમ, રાજદ સહિતના પક્ષો મીરા કુમારના સમર્થનમાં છે. આમ આદમી પાર્ટીએ પણ મીરા કુમારને સમર્થનના સંકેતો આપ્યા છે. તો બીજી તરફ આપના નેતા એચ. એસ. ફુલકાએ કહ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારને મત અપાશે તો શિખ હિંસા માટે કોંગ્રેસને માફી આપવામાં આવી છે તેવું લાગશે. આ કારણે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન શક્ય નથી. 

સમાજવાદી પાર્ટીના માર્ગદર્શક મુલાયમ સિંહે એક કાર્યક્રમમાં રામનાથ કોવિન્દને મજબૂત ઉમેદવાર ગણાવ્યા હતા. આ ઉપરાંત સપાના અન્ય નેતાઓ દ્વારા પણ કોવિન્દ તરફી સૂર રેલાવવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં સપાનો આંતરિક વિખવાદ વધશે તો બીજી તરફ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થવાની પણ સંભાવના છે.