અમરનાથ યાત્રીઓની બસ ખીણમાં ખાબકી : 16નાં મૃત્યુ
અમરનાથ યાત્રીઓની બસ ખીણમાં ખાબકી : 16નાં મૃત્યુ યાત્રાળુઓ બિહાર અને રાજસ્થાનના હતા : વડા પ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી, તા. 16 : અમરનાથ યાત્રા ઉપર આતંકી હુમલાની ઘટનાને હજી અઠવાડિયાનો સમય નથી વિત્યો તેવામાં અન્ય એક ઘટનામાં વધુ 16 યાત્રાળુઓએ જીવ ગુમાવ્યો છે. જમ્મુ કાશ્મીરના બનિહાલ નજીકથી હાઈવે ઉપર પસાર થઈ રહેલી બસ રામવનની ખીણમાં ખાબકતા 16 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 35 લોકોને ઈજા પહોંચી છે. 

અમરનાથ યાત્રા માટે નીકળેલી સ્ટેટ રોડવેઝની આ બસમાં બિહાર અને રાજસ્થાનના યાત્રાળુઓ હતા અને તેઓ જમ્મુથી પહેલગામ જઈ રહ્યા હતા. આ બસમાં 46 પ્રવાસી હતા જે પૈકી 16ના મૃત્યુ થયા છે. આ ઘટના પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. 

રામવનના પોલીસ અધિક્ષક મોહનલાલે કહ્યું હતું કે, નચલાના બેલ્ટ પાસે બસ ફસકીને ખીણમાં પડી હતી જેમાં 16 યાત્રાળુઓએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત 19 લોકોને ઈજા પહોંચી છે જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. ગંભીર રીતે ઘાયલ લોકેને તાકીદે સારવાર મળે તે માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યાત્રીઓની જાનહાનિ બદલ દુ:ખની લાગણી વ્યકત કરતાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. બસ દુર્ઘટનામાં યાત્રીઓના મોત થતાં ભારે પીડા અનુભવું છું. તેમના કુટુંબો પ્રત્યે સહાનુભૂતિ છે, તેવું મોદીએ ટ્વીટ કર્યું હતું.

મૃત્યુ પામેલા યાત્રાળુઓના પરિવારોને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજાર રૂપિયા આપવાની સરકારે જાહેરાત કરી છે.