આગામી 24 કલાકમાં મુંબઈ, કોંકણમાં મુશળધાર વરસાદની આગાહી
આગામી 24 કલાકમાં મુંબઈ, કોંકણમાં મુશળધાર વરસાદની આગાહી મુંબઈ, તા. 17 : મુંબઈ શહેર અને ઉપનગરોમાં આજે સવારથી મુશળધાર વરસાદ ચાલુ હોઈ વરલી, વિલેપાર્લે, અંધેરી, થાણે, કલ્યાણ, ડોંબિવલી વિસ્તારમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ભારતીય હવામાન શાત્ર વિભાગે આગામી 24 કલાકમાં મુંબઈ અને કોંકણમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજે સવારથી સતત વરસાદ હોવા છતાં રોડ અને રેલવે ટ્રાન્સપોર્ટ સેવામાં કોઈ મુશ્કેલી સર્જાઈ નથી.

છેલ્લા ત્રણ દિવસ (ગુરુવાર, 13 જુલાઈથી શનિવાર, 15 જુલાઈ)થી સારી રીતે પડી રહેલા વરસાદે ગઈકાલ રવિવારે ‘રજા’ પાળી હતી. એકાદ-બે ઝાપટાંને બાદ કરતાં રવિવારનો આખો દિવસ કોરો ગયો હતો તેમ જ વૃક્ષ પડયા સહિતની કોઈ મોટી દુર્ઘટના બની ન હતી. દરમિયાન ગોરેગામ પૂર્વમાં આરે કૉલોનીસ્થિત ટેકરી પર માટી ધસી પડતાં નજીકની સંરક્ષક ભીંત તૂટી હતી. જો કે, તેમાં કોઈને ઇજા થઈ ન હતી. તો બીજી તરફ મરીન ડ્રાઈવ પર દરિયાના ઉછળતાં મોજાંનો આનંદ માણવા યુવાનોની ગિરદી જોવા મળી હતી.