જાડેજા-અશ્વિન ટેસ્ટ પર ફોકસ કરે, વન ડેમાં મોકો મળશે : શાત્રી
જાડેજા-અશ્વિન ટેસ્ટ પર ફોકસ કરે, વન ડેમાં મોકો મળશે : શાત્રી ધોની ફિટ ખેલાડી : યુવી વાપસી કરી શકે: કોહલીની કૅપ્ટનશિપની સમીક્ષા ત્રણ વર્ષ બાદ થઇ શકે તેવો કોચે અભિપ્રાય આપ્યો

નવી દિલ્હી તા.12:  હેડ કોચ રવિ શાત્રી શ્રીલંકા પ્રવાસમાં ટીમ ઇન્ડિયાને મળેલી 9-0ની જોરદાર સફળતાથી ભારે ખુશ છે. એક મુલાકાતમાં તેણે કોહલીસેનાની ભારોભાર પ્રશંસા કરી હતી અને ભવિષ્યની યોજના પર વાત કરી હતી. આ ઉપરાંત અશ્વિન અને જાડેજાના વન ડેમાં વિશ્રામ પર ખુલાસો કર્યોં હતો.

કોચ રવિ શાત્રીએ જણાવ્યું હતું કે વિરાટ કોહલી શ્રીલંકાના પ્રવાસ દરમિયાન વધુ મજબૂત બનીને ઉભરી આવ્યો છે. સુકાની તરીકે તેનું શાનદાર પ્રદર્શન તેનો આત્મવિશ્વાસ વધારે છે. તેના માટે શોર્ટ કટનો કોઇ સવાલ જ નથી. કોહલી અને ધોની એકબીજાનું સન્માન કરે છે. મેદાન પર વિરાટનું સમર્પણ તેને ઘણું આગળ લઇ જાય છે. સુકાની તરીકે આવનારા ત્રણ વર્ષ તેના માટે ઘણા મહત્વના બની રહેશે. આ પછી જ તેની કેપ્ટનશીપની સમીક્ષા થઇ શકે.

ધોની વિશે શાત્રીએ કહયું કે તે ફિટ છે. તેના પ્રદર્શનને લઇને કોઇ સવાલ નથી. હાલમાં તે ટીમમાં શ્રેષ્ઠ વિકલ્પ છે. બેટધર તરીકે તેનામાં હજુ ઘણું બાકી પડયું છે. શ્રીલંકામા તેનું હાલનું પ્રદર્શન એક ટ્રેલર છે. યુવરાજ વિશે કોચે કહયું કે વન ડે ટીમમાં જગ્યા બનાવવા ફિટનેસના માપદંડ બનાવવામાં આવ્યા છે. જે પણ ખેલાડી તેમાં ફિટ બેસશે તેના પર વિચાર થશે. યુવી પણ વાપસી કરી શકે છે.

બે મુખ્ય સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને વન ડે ક્રિકેટમાં વિશ્રામ આપવાના સવાલ પર કોચ શાત્રીએ કહયું કે હાલ તો આ બન્ને સ્પિનરે ટેસ્ટ ક્રિકેટ પર ફોકસ કરવું જોઇએ. વર્લ્ડ કપને હજુ બે વર્ષ બાકી છે. બન્નેને આ પહેલા વન ડેમાં પણ પૂરતા મોકો મળશે. હાર્દિક પંડયા વિશે એવો અભિપ્રાય આપ્યો કે તે હજુ પરિપકવ ઓલરાઉન્ડર નથી. તેનામાં પ્રતિભા છે. તેણે હજુ ઘણું આગળ વધવાનું છે. શાત્રીએ એવી આશા વ્યકત કરી કે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી સારી સ્પર્ધાત્મક બની રહેશે.