વૈશ્વિક પરિબળો સાનુકૂળ થતાં શૅરબજારોમાં વણથંભી તેજી
સેન્સેક્ષ 32 હજારને પાર, નિફ્ટી 10,100ના સ્તર નજીક

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : વૈશ્વિક ચિંતા હળવી થવાની સાથે બ્લુ-ચીપ શેર્સમાં લેવાલી નીકળતાં સ્થાનિક મુખ્ય સૂચકાંકોમાં એક ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. બંને સૂચકાંકો એક મહિના પછી સર્વોચ્ચ ટોચે બંધ રહ્યાં હતાં. 

આજે નિફ્ટી 50 - 87.00 પોઈન્ટ્સ વધીને 10,093.05 પોઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો જે 1 ઓગસ્ટ પછીની સર્વોચ્ચ ટોચ છે. બીએસઈનો સેન્સેક્ષ 276.50 પોઈન્ટસ વધીને 32,158.66 પોઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો, જે 7 સપ્ટેમ્બર પછીની સર્વોચ્ચ ટોચ છે.

સ્થાનિક શૅરબજારો તેની પ્રતિસ્પર્ધી બજાર કરતાં નોંધપાત્ર વધી હતી. એમએસસીઆઈ ઈમર્જિંગ માર્કેટ્સ ઈન્ડેક્સ બપોરે 3.15 કલાકે 0.2 ટકા ઊંચો હતો.

હરિકેન ઈર્મા અને ઉત્તર કોરિયાનું જોખમ હળવું થયું હોવાથી સ્થાનિક બજારમાં સકારાત્મકતા હતી. કેનેરા બૅન્ક સિક્યુરિટીસના એનલિસ્ટે કહ્યું કે ગ્લોબલ રેટીંગ એજન્સી એઆરસી રેટિંગિસે તેના અહેવાલમાં ભારતનું રેટીંગ `બીબીબી+' નક્કી કરતાં અને સક્ષમ આર્થિક વિકાસની સંભાવનાએ સ્ટેબલ આઉટલૂક જાળવી રાખતાં રોકાણકારોનું માનસ પણ લેવાલી તરફી હતું. 

ટેક્નીકલ એનલિસ્ટે કહ્યું કે તાજેતરના 9860 - 9980 પોઈન્ટ્સના કોન્સોલિડેશન ઝોનમાંથી બ્રેક-આઉટને પગલે નિફ્ટી 50ને પણ લાભ થયો હતો. વર્તમાન સ્તરે નિફ્ટી 50 તેની વિવિધ ડેઈલી મુવીંગ એવરેજની ઉપર છે જે ઈન્ડેક્સમાં હજી વૃદ્ધિનું નિર્દેશન કરે છે. 

સ્થાનિક બ્રોકરેજના એક એનલિસ્ટે કહ્યું કે ભારત પેટ્રોલિયમ કોર્પ.નો `મહારત્ન'નો દરજ્જો  આપવાના સરકારના નિર્ણયને કારણે કંપનીના બોર્ડની સત્તા વધશે અને તેને કારણે કંપનીનાં કામકાજને ભારત અને વિદેશમાં વિસ્તારવામાં મદદ મળશે તેને પગલે કંપનીનો શેર 4.2 ટકા વધ્યો હતો જે નિફ્ટીમાં સૌથી વધુ વધનાર શેર બન્યો હતો.

તાતા સ્ટીલનો શેર 3.1 ટકા વધીને લાઈમલાઈટમાં રહ્યો હતો. જર્મનીની થિસનકૃપ એજી તેનો યુરોપિયન સ્ટીલ બિઝનેસ તાતા સ્ટીલ યુકે સાથે મર્જ કરવા માટે આ મહિનામાં સૈદ્ધાંતિક રીતે મંજૂરી આપશે આ અહેવાલને પગલે કંપનીનો શેર વધ્યો હતો. 

ગેઈલ (ઈન્ડિયા)ના પ્રવક્તાએ કહ્યું કે કંપની આ વર્ષમાં વારાણસી અને ભુવનેશ્વરમાં ગેસ ઓપરેશન શરૂ કરે તેવી ધારણા છે અને વર્ષ 2018થી દેશમાં ત્રણ એમટીપીએથી વધુ એલએનજી વેચવાનું લક્ષ્ય રાખે છે. આ અહેવાલને આધારે કંપનીનો શેર 3.7 ટકા વધ્યો હતો. 

યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સન ફાર્માસ્યુટિકલ્સની એબવીસ ટ્રિકોર ટેબલેટેના 48 એમજી અને 145 એમજીના જેનરિક ઔષધને મંજૂરી આપી હોવાથી કંપનીનો શેર 3.4 ટકા વધ્યો હતો. ઓરોબિંદો ફાર્મા, ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈસીસ, હિન્દુસ્તાન યુનિલિવર, તાતા મોટર્સ, એસીસી અને બૅન્ક ઓફ બરોડાના શૅરમાં 2 - 3 ટકાની વૃદ્ધિને પગલે મુખ્ય સૂચકાંકોને વધવાનું બળ મળ્યું હતું.

ઈન્ડસઈન્ડ બૅન્કનું ભારત ફાઈનાન્સિયલ ઈન્ક્લુઝન સાથે મર્જર થવાના સંભવિત લાભ છતાં ઈન્ડસઈન્ડ બૅન્કનો શેર 2.8 ટકા ઘટયો હતો. નિફ્ટી 50 ઉપર તે સૌથી વધુ ઘટનાર શૅર હતો. 

ફાર્માસ્યુટિકલ કંપનીઓ તરફથી સારા અહેવાલો આવવાને પગલે ફાર્મા કંપનીઓના શેર્સના ભાવ વધ્યા હતા. તાજેતરમાં થયેલા કરેક્શનને કારણે રોકાણકારોએ વેલ્યુ બાઈંગની તક લીધી હતી, એવું એક એનલિસ્ટે કહ્યું હતું. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 2.2 ટકા વધ્યો હતો. દીવી'સ લેબોરેટરીસની વિશાખાપટ્ટનમની યુનિટ - 2 નું યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ફરીથી ઈન્સ્પેક્શન કરશે એ અહેવાલને કારણે કંપનીના શેરમાં 12 ટકાની વૃદ્ધિ થઈ હતી. 

એક એનલિસ્ટે કહ્યું કે વૈશ્વિક પરિબળો સકારાત્મક બની રહ્યાં હોવાની સાથે રોકાણકારો તમામ ક્ષેત્રે ખરીદી કરી રહ્યાં છે. નિફ્ટીના તમામ ક્ષેત્રીય અને થેમેટિક ઈન્ડેક્સમાં 0.3 - 2.2 ટકાની વૃદ્ધિથી આ પ્રતિબિંબીત થયું હતું.  તાતા કૉફી અને લિબર્ટી શૂઝના શેર અનુક્રમે નવ ટકા અને 11 ટકા વધ્યાં હતાં. 

નિફ્ટી ફિફ્ટીના 51 શેર્સમાં 41 શેર્સના ભાવ વધ્યા હતા. સેન્સેક્ષના 31 શેર્સમાંથી 26ના ભાવ વધ્યા હતા.