કૉમોડિટી એક્સચેન્જોમાં આવતા મહિનાથી ઓપ્શન્સ ટ્રેડિંગનો આરંભ
એમસીએક્સ સોના અને એનસીડીઈએક્સ ગુવારસીડ અથવા સોયાબીનમાં ઓપ્શન ટ્રેડિંગ શરૂ કરશે

નવી દિલ્હી, તા.12 : એમસીએક્સ અને એનસીડીઈએક્સ ઉપર આવતા મહિને કૉમોડિટીઝમાં ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ શરૂ કરે તેવી શક્યતા છે.

સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બૉર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ સોનામાં ઓપ્શન્સ લોન્ચ કરવા માટે મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ)ને મંજૂરી આપી છે. દિવાળી પહેલા 5 થી 13 અૉક્ટોબરની વચ્ચે આ ઓપ્શન્સ શરૂ કરવાની એક્સચેન્જની યોજના છે. જ્યારે એનસીડીઈએક્સએ ગુવારસીડ અથવા સોયાબીનમાં ઓપ્શન્સ ટ્રેડિંગ લોન્ચ કરવા માટે સેબીની મંજૂરી માગી હોવાનું મેનેજિંગ ડિરેક્ટર સમીર શાહે જણાવ્યું છે. એક્સચેન્જની યોજના દિવાળીમાં આ ઓપ્શન્સ શરૂ કરવાની હોવાનું શાહે જણાવ્યું હતું. 

અમારા ટોચના ટર્નઓવરના પાંચ જણસમાં ગુવારસીડ અને સોયાબિન છે. તેથી ઓપ્શન્સ ટ્રેડિંગ શરૂ કરવા માટે સેબીની મંજૂરી માગી છે, એમ શાહે એનસીડીઈએક્સ કૃષિ પ્રગતિ એવૉર્ડ્સ 2017ના પ્રસંગે જણાવ્યું હતું. 

ગયા એપ્રિલમાં સેબીએ કૉમોડિટી ડેરિવેટિવ્ઝના ઓપ્શન્સ ટ્રેડિંગ શરૂ કરવા માટે મંજૂરી આપી હતી. જેથી ખેડૂતોને ભાવફેર સામે જોખમ ઘટે. તેમ જ બજારના ખેલાડીઓએ જણાવ્યું કે, કૉમોડિટી ઓપ્શન્સમાં સોદાનો ખર્ચમાં ફ્યૂચર્સ જેટલો જ ખર્ચ લાગશે, અમુક કિસ્સાઓમાં ચોથા ભાગ કરતા પણ ઓછો લાગશે. ઓપ્શન્સથી બજારમાં લિક્વિડીટી આવશે. તેમ જ ટ્રેડિંગ ખર્ચ પણ ઘટશે. ઓપ્શન્સમાં મર્યાદિત જોખમ હોવાથી એસએમઈ અને ખેડૂતો તેમની જણસોનું હેજિંગ કરી શકશે.