ઘાટકોપર પૂર્વની ગંગાવાડી લેનના જર્જરિત મકાનોના ટેનેન્ટને ડેવલપરનું આશ્વાસન
અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા.12 : ઘાટકોપર પશ્ચિમની ગંગાવાડી લેનના લક્ષ્મી ભુવન અને નારાયણ ભુવનના રહેવાસીઓની આજે ડેવલપર ક્રિસ્ટલ બીલ્ડર્સના મુકેશભાઈ મગનલાલ દોશી સાથે ગંગાવાડીમાં વાતચીત થઈ હતી. મુકેશભાઈએ રહેવાસીઓને એવું આશ્વાસન આપ્યું હતું કે જર્જરિત મકાનો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા નોટિફિકેશનનો અમે અભ્યાસ કરી રહ્યા છીએ, અમે આ અભ્યાસ બાદ ગંગાવાડીના રહેવાસીઓ સાથે ફરી મસલતો કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગંગાવાડી લેનના લક્ષ્મી ભુવન અને નારાયણ ભુવનની મહિલા બ્રિગેડે તેમનું મકાન બે વર્ષથી તૈયાર થયું હોવા છતાં પઝેશન ન મળતું હોવાથી રવિવારે મુકેશભાઈના ઘાટકોપર પૂર્વના સાઈ વૈભવના મકાનમાં તેઓ કારમાં જતા હતા ત્યારે તેમનો ઘેરાવ કર્યો હતો.

ગંગાવાડી લેનમાં કુલ 425 ટેનેન્ટ રહે છે અને તેઓ સાત વર્ષથી નવા ઘરની પ્રતિક્ષા કરી રહ્યા છે. પાઘડીના મકાનોના રિડેવલપમેન્ટ માટે અહેવાલ તૈયાર કરતી વખતે અફઝલપુરકર સમિતિએ ગંગાવાડીની મુલાકાત લીધી હતી.

શું કહે છે મુકેશભાઈ?

આ સંવાદદાતાએ મુકેશભાઈનો સંપર્ક કર્યો હતો કે અમે આજે મિટિંગમાં રહેવાસીઓને કહ્યું હતું કે જર્જરિત મકાનનો જીઆર હજી ગઈકાલે જ આવ્યો છે.  અમારી ટીમ એનો અભ્યાસ કરી રહી છે. ગંગાવાડીના અમુક ટેનેન્ટનાં ઘરો 200 ચોરસ ફૂટથી પણ ઓછા ક્ષેત્રફળના છે. 

નવા જીઆર પ્રમાણે રિડેવલપમેન્ટ કરાય તો ટેનેન્ટને લઘુતમ 300 ચોરસ ફૂટ અને મહત્તમ 753 ચોરસ ફૂટનાં ઘર મળી શકે. અમે ટેનેન્ટને નિયમિત ભાડું ચૂકવીએ છીએ.