શિવસેનાના વિરોધને અવગણીને ફડણવીસે પ્રસ્તાવિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મહારાષ્ટ્ર તરફથી આપી મંજૂરી
મુંબઈ,તા.12 : મહારાષ્ટ્ર સરકારમાં ભાજપની સાથીદાર શિવસેનાના વિરોધને અવગણીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે પ્રસ્તાવિત મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મંજૂરી આપી છે અને હવે અમદાવાદમાં 14 સપ્ટેમ્બર ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન થશે. જાપાનના વડા પ્રધાન શિંજો અબે પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ફડણવીસ પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભૂમિ પૂજન કાર્યક્રમમાં હાજર રહેવાના છે. 

રાજ્યના પરિવહન પ્રધાન દિવાકર રાવતે છે અને શિવસેનાના આ નેતા ઉપ સમિતિમાં હોવા છતાં તેમની હાજરીમાં ફડણવીસે આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.  આ સાથે જ વડા પ્રધાન મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટમાં મહારાષ્ટ્ર સરકાર પચીસ ટકા ખર્ચ ભોગવશે તેથી ફડણવીસે રાજ્ય તરફથી 30 હજાર કરોડ રૂપિયાનો આર્થિક બોજ ઉઠાવવાની તૈયારી પણ દાખવી છે. 

મુંબઈમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ટર્મિનસ બાંદરા-કુર્લા કોમ્પલેક્ષમાં બનશે તેના કારણે રાજ્ય સરકારે ત્યાં ઇન્ટરનેશનલ ફાઇનેન્સ સર્વિસ સેન્ટરની યોજના વિચારી છે તે યોજનાને પણ અસર પડશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કુલ બજેટ 1.10 લાખ કરોડ રૂપિયાનું છે, જેમાંથી પચાસ ટકા રેલવે તેમ જ બાકીની પચાસ ટકા રકમ ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર પચીસ-પચીસ ટકા ઉઠાવશે. જો કે જાપાનની એક વિત્તીય સંસ્થા આ પ્રોજેક્ટ માટે સસ્તા વ્યાજ દરે કુલ ખર્ચની 80 ટકા રકમની લોન આપવાની છે.