સંઘ અંગેની ખોટી ધારણાઓ દૂર કરવાનો વિદેશી રાજદૂતો સમક્ષ ભાગવતનો પ્રયાસ
સંઘ અંગેની ખોટી ધારણાઓ દૂર કરવાનો વિદેશી રાજદૂતો સમક્ષ ભાગવતનો પ્રયાસ અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા.12 : આરએસએસના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે આજે અત્રે વિદેશી રાજદૂતો સાથેની વાતચીતમાં દુનિયાભરમાં સંઘ વિષે ફેલાયેલી ખોટી ધારણાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

રાજધાની દિલ્હીમાં થિંક ટેન્ક ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ દેશોના અંદાજે 50 જેટલા રાજદૂતો હાજર હતા. આ પ્રસંગે કેન્દ્રના રાજ્યકક્ષાના પ્રધાન જયંત સિન્હાએ ડૉ. ભાગવતનું સ્વાગત કર્યું હતું. ભાજપના મહાસચિવ રામ માધવ પણ હાજર રહ્યા હતા.

આ બેઠક અંગે થિંક ટેન્ક ઇન્ડિયા ફાઉન્ડેશન તરફથી કોઈ સત્તાવાર જાણકારી મળી નહોતી, પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે ભાગવતે રાજદૂતો દ્વારા પુછાયેલા વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા અને સંઘ અંગેની ખોટી માન્યતાઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. એક સવાલના જવાબમાં ભાગવતે જણાવ્યું હતું કે, સંઘ ભાજપને નથી ચલાવતું અને ભાજપ સંઘને નથી ચલાવતું. બન્ને એકબીજાની સલાહ લેતાં હોય છે.