સપ્ટેમ્બરમાં અૉક્ટોબર હિટ હોવા છતાં મેઘરાજા ડિપાર્ટિંગ કીક મારવા જરૂર પધારશે
મુંબઈ, તા. 12 : ચોમાસાનો અંતિમ મહિનો ચાલુ હોવા છતાં અત્યારથી જ મુંબઈનો પારો આસમાને ચઢી ગયો છે. આજે મુંબઈમાં તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો સોમવારે મુંબઈનો પારો 35.5 ડિગ્રી સેલ્સિયસ હતો.

ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં આ વર્ષનું આ સર્વાધિક તાપમાન હતું. ગઈકાલે મુંબઈનું તાપમાન સરેરાશ તાપમાન કરતા પાંચ ડિગ્રી વધુ હતું. આ પારો હજી થોડા દિવસો સમાન રહેવાની સંભાવના છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ કોલાબામાં 87 ટકા અને સાંતાક્રુઝમાં 75 ટકા હતું.

હવામાન વિભાગના મતે મોન્સૂનને કારણે વાતાવરણમા રહેલા ભેજનું પ્રમાણ પહેલેથી છે અને હવે સૂકી હવાને કારણે તેમ જ ભેજને કારણે મુંબઈમાં અૉક્ટોબર હિટ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.

મેઘરાજા પાછા પધારશે?

મુંબઈ હાલ પરસેવાથી રેબઝેબ હોવા છતાં આવનારા કેટલાક દિવસોમાં ફરી ચોમાસું સક્રિય થવાની સંભાવના છે. 15થી 25 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી છે. તે સાથે જ મધ્ય મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં જોરદાર વરસાદ પડયો હોવાનો અહેવાલ છે. આવનારા 24 કલાલમાં વિદર્ભમાં કેટલીક જગ્યાએ જોરદાર વરસાદ પડવાની સંભાવના છે. તેમ જ કોંકણ ગોવાના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદની આગાહી છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં કેટલાક ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ પડવાનો ઈશારો હવામાન ખાતાએ આપ્યો છે.