સુપ્રીમ કેર્ટ બહુચર્ચિત જ્ઞાનવાપી પ્રકરણની સુનાવણી જે રીતે વારાણસી સિવિલ કોર્ટના બદલે જિલ્લા કોર્ટને સોંપી અને આઠ અઠવાડિયાંમાં સુનાવણી પૂરી કરવાનું કહ્યું એનાથી એ પ્રતીત થાય છે કે અદાલત આ મામલાનો જલદી નિકાલ ઇચ્છે છે. આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે, તેને લઈ એ બધાના હિતમાં છે કે તેનો શક્ય એટલો જલદી નિકાલ આવે. નિ:સંદેહ આવું ન્યાયતંત્રના સક્રિયતાથી જ સંભવ છે. આ પ્રકરણમાં એવો વિલંબ નહીં થવો જોઈએ.
એક ઉપાય એ પણ છે કે ધાર્મિક આસ્થા સંકળાયેલી હોય, આ પ્રકારના મામલા પરસ્પર સંવાદ અને સહમતિથી હલ કરવાના કોઈ ઈમાનદાર પ્રયાસ થાય. આમાં સામાજિક સદ્ભાવને શક્તિ મળવાની સાથે જ રાષ્ટ્રીય એકતાનો ભાવ પણ પ્રબળ બન્યો. એની પણ ઉપેક્ષા ન કરી શકાય કે અયોધ્યા પ્રકરણને પરસ્પર મંત્રણાથી હલ કરવામાં અનેક પક્ષો બાધક બન્યા હતા. તેનો સ્વાર્થ એમાં જ હતો કે કોઈપણ રીતે આ વિવાદનો ઉકેલ ન આવે. જોકે, હવે એની પૂરેપૂરી તકેદારી લેવી ઘટે કે પક્ષોને આ વેળા રાજકીય રોટલી શેકવાની તક ન મળે.
વારાણસીનો જ્ઞાનવાપી મામલો અયોધ્યા પ્રકરણથી ભિન્ન છે અને આ સંદર્ભમાં 1991માં બનાવવામાં આવેલા ધર્મસ્થળ કાયદાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, જે કહે છે કે બધાં ધાર્મિક સ્થળ એ જ સ્થિતિમાં રહેશે, જેવા તે 15 અૉગસ્ટ 1947એ હતા, પરંતુ આ કાયદામાં પણ કેટલાક અપવાદ છે. એ ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી પ્રકરણની સુનાવણી કરતાં એ કહ્યું છે કે કોઈ સ્થળનું ધાર્મિક ચરિત્ર એટલે કે તેનાં રૂપ-સ્વરૂપને આકલન પ્રતિબંધિત નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે સુપ્રીમ કોર્ટે વારાણસીની સિવિલ કોર્ટનો એ ચુકાદો ઉચિત લેખ્યો, જેમાં તેણે જ્ઞાનવાપી પરિસરનાં સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો.
એ પણ મહત્ત્વપૂર્ણ છે કે ઈલાહાબાદ હાઈ કોર્ટે આ આદેશ પર રોક મૂકવાની કોઈ જરૂર લાગી નથી અને એ પણ ત્યારે જ્યારે તેની સમક્ષ ધર્મસ્થળ કાયદાનો સંદર્ભ આપવામાં આવ્યો હતો. હવે જ્યારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે ધર્મસ્થળ કાયદો કોઈ સ્થાન કે ધાર્મિક ચારિત્રના આકલન પર પ્રતિબંધ નથી મૂકતો. તો પછી સવાલ એ છે કે જો જ્ઞાનવાપી પરિસર અથવા આ પ્રકારનાં અન્ય ધાર્મિક સ્થળોનાં સર્વેક્ષણ એવા કોઈ નિષ્કર્ષ પર લઈ જાય છે કે તે એવું નથી, જેવો દાવો કરવામાં આવી રહ્યો હતો તો શું તેની ઉપેક્ષા કરવામાં આવશે? વાસ્તવમાં આ આવશ્યક સવાલ છે જેનો જવાબ સામે આવવો જોઈએ.
ડી-કંપની સાથે સાઠગાંઠ અને મની લૉન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા નવાબ મલિકને મોટો આંચકો લાગ્યો છે. વિશેષ અદાલતે નવાબ મલિકની વિરુદ્ધના પ્રકરણની સુનાવણી કરતાં ઈડી દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી છે. અદાલતે માન્યું છે કે નવાબ મલિક ઈરાદાપૂર્વક અને સીધેસીધા મની લૉન્ડરિંગ જેવા ગુનામાં સંડોવાયા છે.
વિશેષ ન્યાયાધીશ આર. એન. રોકડેએ આ પ્રકરણની સુનાવણી કરતાં કહ્યું છે કે આ મામલાને આગળ ચલાવવા માટે પૂરતો આધાર છે. પ્રથમ દૃષ્ટિએ પુરાવાઓમાં સામે આવ્યું છે કે નવાબ મલિક સમજી-વિચારીને આ પ્રકરણમાં સામેલ થયા હતા. વાસ્તવમાં એપ્રિલ મહિનામાં મલિકની વિરુદ્ધ ઈડીએ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે કુર્લામાં ગોવાવાલા કમ્પાઉન્ડ પર કબજો કરવા માટે નવાબ મલિક, તેમના ભાઈ અને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકર અને તેના બૉડીગાર્ડ સલીમ પટેલ વચ્ચે અનેક બેઠકો થઈ હતી.
ઈડીએ પોતાની ચાર્જશીટમાં 17 લોકોને સાક્ષી બનાવ્યા છે. જેમાં દાઉદના ભાઈ ઈકબાલ કાસકર અને હસીના પારકરના પુત્ર અલીશાહ પારકર સહિત શાહવલી ખાન પણ સામેલ છે. શાહવલી ખાને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે હસીના પારકર દાઉદ ઈબ્રાહિમની નિકટની હતી અને સલીમ પટેલ તેમનો અંગરક્ષક હતો. સંપત્તિ સંબંધી બધા જ નિર્ણયો પટેલ હસીના પારકરના આદેશથી લેતો હતો.
ઈડીએ ચાર્જશીટમાં હસીના પારકરના પુત્ર અલીશાહનું નિવેદન પણ સામેલ કર્યું છે. તેણે ઈડીને જણાવ્યું કે તેની માતા હસીના પારકર 2014માં મૃત્યુ પામી ત્યાં સુધી દાઉદ સાથે આર્થિક લેણદેણ કરી હતી અને સલીમ પટેલ તેમના સહયોગીઓમાંથી એક હતો. અલીશાહે જણાવ્યું છે કે તેની માતાએ સલીમ પટેલની સાથે મળીને ગોવાવાળા કમ્પાઉન્ડનો વિવાદ ઉકેલ્યો હતો અને અૉફિસ ખોલીને તેનો કેટલોક ભાગ પોતાના કબજામાં લીધો હતો, જે પછીથી તેણે મલિકને વેચી દીધો હતો.
વિશેષ કોર્ટે ચાર્જશીટની નોંધ લેવા નવાબ મલિક અને 1993ના મુંબઈના શ્રેણીબંધ બૉમ્બધડાકાના દોષી અને સજા ભોગવી આવેલા સરદાર શાહવલી ખાનની વિરુદ્ધ કાર્યવાહી આગળ વધારવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે પોતપોતાની ચાર્જશીટમાં નવાબ મલિક અને સરદાર શાહવલી ખાનને આરોપી બનાવ્યા છે. સંપત્તિની બધી કાર્યવાહી સરદાર ખાનના માધ્યમથી થઈ હતી. વિશેષ કોર્ટના તાજા આદેશથી મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાન નવાબ મલિકનું અંડરવર્લ્ડ કનેક્શન દીવા જેવું સ્પષ્ટ થયું છે. ઈડીની ચાર્જશીટની અદાલતે જે રીતે નોંધ લીધી છે એવી જ રીતે ઠાકરે સરકાર પણ તેની ગંભીર નોંધ લઈ નવાબ મલિકને પ્રધાનમંડળમાંથી છૂટા કરશે તો સરકારની પ્રતિષ્ઠા કંઈક બચશે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ માટે પણ આ બાબત ચિંતાજનક છે, કેમ કે પહેલેથી જ તેમના એક પ્રધાન અનિલ દેશમુખ સામે ગંભીર આરોપો છે અને હવે નવાબ મલિકને કારણે પક્ષની છાપ પર અસર થશે. રાષ્ટ્રવાદી હજી પણ મલિકનો બચાવ જ કર્યા કરશે કે કેમ એ જોવું રસપ્રદ થઈ રહેશે.
© 2022 Saurashtra Trust
Developed & Maintain by Webpioneer