પશ્ચિમ બંગાળ સહિત પૂર્વોત્તરનાં મોટા ભાગનાં રાજ્યોમાં ભૂકંપના તીવ્ર આંચકા

નવી દિલ્હી, તા. 12: જમ્મુ કાશ્મીર અને હરિયાણા બાદ બુધવારે પૂર્વોત્તરના મોટાભાગનાં રાજ્યોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ભૂકંપ બાદ લોકોમાં દહેશત ફેલાઇ હતી અને ઘરની બહાર દોડી આવ્યા હતા. આસામમાં ધરતીકંપની તીવ્રતા 5.5ની માપવામાં આવી હતી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 10.22 વાગ્યા આસપાસ 15 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા આવ્યા હતા. જો કે આ ઘટનામાં જાનહાનીનો કોઈ બનાવ બન્યો નથી. 
આ અગાઉ બુધવારે વહેલી સવારે સવા પાંચ વાગ્યે જમ્મુ કાશ્મીરમાં ધરતીકંપનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ ઉપર આ આંચકાની તીવ્રતા 4.6 મેગ્નિટયુડની માપવામાં આવી હતી. ત્યારબાદ 5.43 વાગ્યે હરિયાણામાં પણ ભૂકંપ અનુભવાયો હતો. હરિયાણામાં આવેલા ભૂકંપનું કેન્દ્ર ઝજ્જર હતું અને તેની તીવ્રતા 3.1ની હતી. આ ઉપરાંત બિહારના પૂર્ણિયા, અરરિયા, કટિહર, કૂચબિહાર, કિશનગંજ અને પટણામાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ બાંગલાદેશના રંગપુરમાં હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના જલપાઈગુડી અને અમુક અન્ય હિસ્સામાં પણ ધરતીકંપ આવ્યો હતો. આવી જ રીતે આસામ, નાગાલેન્ડ, મણિપુરમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા આવ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer