ગેરકાયદે કેફી દ્રવ્યોનાં ઉત્પાદન-હેરફેરમાં અગ્રીમ 21 દેશોની યાદીમાં ભારતને મૂકતું ટ્રમ્પ-તંત્ર

વોશિંગ્ટન, તા. 12: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટતંત્રે, કેફી દ્રવ્યોના મોટા ઉત્પાદક દેશ અથવા (તેના વેપાર માટેના) ટ્રાન્ઝિટ દેશોની યાદીમાં ભારત અને અન્ય 21 દેશોને મૂક્યા છે. અન્ય એશિયાઈ દેશો છે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને મ્યાંમાર. આગામી યાદીમાં જે તે દેશની હાજરી એ કંઈ, કેફી દ્રવ્યો વિરુદ્ધના જે તે દેશોનાં પગલાના પ્રયાસો કે અમેરિકા સાથેના તેઓના સહકારના સ્તરનું પ્રતિબિંબ પાડે તે જરૂરી નથી એમ ટ્રમ્પે જણાવ્યું હતું.
જે તે દેશોની સરકારો નાર્કોટિક કન્ટ્રોલના દૂષણ સામે ખંતીલા અને ગંજાવર પગલાં લેતી હોવા છતાં યાદીમાં ઉક્ત દેશો હોવા પાછળનું કારણ, આવાં દ્રવ્યોનાં ઉત્પાદન/ હેરફેર શક્ય બનાવે તેવાં ભૌગોલિક, કમર્સિયલ અને આર્થિક પરિબળોનું સંમિશ્રણ છે, એમ ટ્રમ્પે જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય નાર્કોવિરોધી સમજૂતીઓ હેઠળની જવાબદારીઓ નિભાવવામાં બોલીવીઆ અને વેનેઝુએલા ગંભીર માત્રામાં ઉણા ઉતર્યાનું તેમણે ઉમેર્યું હતું.
 કોલંબિયા, મેક્સિકો અને અફઘાનિસ્તાનમાં ઉત્તરોત્તર વર્ષોમાં કેફી દ્રવ્યોના ગેરકાયદે પાકના થતાં રહેલાં વિસ્તરણ અંગે ચિંતા વ્યક્ત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે આ 3 દેશોમાં કેફી દ્રવ્યોનાં ઉત્પાદન અને હેરફેર અમેરિકાના રાષ્ટ્રીય હિતોને તેમજ અમેરિકી નાગરિકોના આરોગ્ય અને સલામતીને સીધી અસર કરે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer