પાલિકા તરફથી ગણેશોત્સવ સંબંધી તૈયારીઓ પૂર્ણ

નવ હજાર કર્મચારી-અધિકારીઓ તહેનાત, વિસર્જન સ્થળોએ વિશેષ વ્યવસ્થા 
 
મુંબઈ, તા.12 : પાલિકા તરફથી ગણેશોત્સવ સંબંધી તૈયારીઓ પૂર્ણ કરી લેવાઇ છે. મુંબઈમાં ગણેશોત્સવ દરમિયાન લાખો પર્યટકો આવતા હોવાથી અને ખાસ તો વિસર્જન સ્થળોએ કોઇ અપ્રિય ઘટના ન બને એ માટે પાલિકા તરફથી વિસ્તૃત તૈયારી કરવામાં આવે છે. મેયરે આ વર્ષે પણ પર્યાવરણની જાળવણી અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાલિકા  દ્વારા તૈયાર કરાતાં કૃત્રિમ તળાવોમાં વિસર્જનની સલાહ મુંબઈગરાઓને આપી છે.
પાલિકા તરફથી તૈયારી અંગે જણાવાયું હતું કે શહેરમાં 69 કુદરતી વિસર્જન સ્થળો છે અને પાલિકા તરફથી 31 કૃત્રિમ વિસર્જન સ્થળો તૈયાર કરાયા છે. ચોપાટીઓ પર 840 સ્ટીલ પ્લેટ્સની વ્યવસ્થા કરાઇ છે. શહેરમાં 58 નિયંત્રણ કક્ષ સજ્જ કરાયા છે. 81 મોટર બૉટ સાથે 607 જીવરક્ષકો વિસર્જન સ્થળોએ તહેનાત કરાયા છે. 60 એમ્બ્યુલન્સ અને 74 પ્રાથમિક સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરાઇ છે. 87 સ્થળે સ્વાગત મંચ, 118 સ્થળે કામચલાઉ શૌચાલયો, ફૂલો સહિતનો કચરો એકત્ર કરવા 201 નિર્માલ્ય કળશો, 192 ડંપરો, 1991 ફ્લડ લાઇટ્સ, 1306 સર્ચ લાઇટ્સ, 48 વૉચ ટાવરો, 50 જર્મન તરાપા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન પાલિકાના 6187 કર્મચારીઓ અને 2417 અધિકારીઓ ફરજ બજાવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer