360 એકર જમીન ગુમાવી ચૂકેલી રાજ્ય સરકારે સૂચવેલો સુધારો ટેક્સ્ટાઇલ પ્રધાને નકાર્યો

મુંબઈ, તા.12 : મુંબઈની લગભગ 360 ઍકર કીમતી જમીન ગુમાવ્યા બાદ તેની ભરપાઇ માટે મહારાષ્ટ્ર સરકાર મિલોની જમીનના વિકાસ માટે જમીનની ભાગીદારીની વર્ષ 1991ની મૂળ ફોર્મ્યુલા માટે જરૂરી કાનૂની સુધારાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર આમાં પક્ષપાત થવાનું કહીને આ સુધારાને મંજૂરી આપવાનું ટાળી રહી છે. 
ગયા વર્ષે અૉક્ટોબરમાં રાજ્ય સરકારે જૂની ફોર્મ્યુલા પ્રમાણે મિલમાલિકોને જમીન ડેવલપ કરવા માટે શરત મૂકી હતી કે મિલની 60 ટકાથી વધુ જમીન પાલિકા અને મ્હાડાને સુપરત કરીને બાકીની જમીન પર પોતાની યોજના મૂકી શકે છે. જોકે, અગાઉ વર્ષ 2003માં આ ફોર્મ્યુલામાં એવો સુધારો કરાયો હતો કે મિલની જે જમીન પર કોઇ બાંધકામ હોય તે જમીનમાં સરકાર કે પાલિકાને કોઇ ભાગ ન મળે, જે ખાલી પડેલી જમીન હોય તેમાંથી જ ભાગ મળી શકે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2003 બાદ મિલોની જે જમીનો વિકસિત થઇ છે તેમાં આ સુધારીત ફોર્મ્યુલાના કારણે રાજ્ય સરકારે 360 ઍકરથી વધુ જમીન ગુમાવી છે. હજુય સરકાર જો જૂની ફોર્મ્યુલા પ્રમાણે મિલોની જમીનના ભાગ પાડવાની મંજૂરી આપે તો વધુ ચાળીસ એકર જમીન બચાવી શકાય છે. 
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અગાઉ કરેલા પ્રસ્તાવના જવાબમાં તાજેતરમાં ટેક્સ્ટાઇલ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ પત્ર પાઠવીને જવાબ આપ્યો હતો કે મુંબઈની મોટા ભાગની ખાનગી મિલોની જમીનો વિકસિત થઇ ચૂકી છે, હવે જે મિલોની જમીનો બાકી છે તે બંધ પડેલી લગભગ તમામ મિલો અને તેની જમીનો નૅશનલ ટેક્સ્ટાઇલ કૉર્પોરેશન (એનટીસી)ની માલિકીની છે. મુંબઈમાં બાકી રહેલી કુલ સાતમાંથી પાંચ મિલો એનટીસીની છે, તેથી રાજ્ય સરકારનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો હવે કેન્દ્રની જમીન સાથે ભેદભાવ કરવા બરાબર થશે, એવો આક્ષેપ પણ આ પત્રમાં કરાયો છે. 
શહેર વિકાસ મંત્રાલયના મુખ્ય સચીવ નીતિન કરીરે જણાવ્યું હતું કે ટેક્સ્ટાઇલ મંત્રાલયે રાજ્યના પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવ્યો છે પરંતુ હજુ સુધી આ અંગે કોઇ આખરી નિર્ણય નથી લેવાયો. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1991માં રાજ્ય સરકારે દક્ષિણ અને મધ્ય મુંબઈમાં આવેલી 58 મિલોની મળીને 600 ઍકર જમીનને રિડેવલપમેન્ટ માટે મંજૂરી આપી હતી, જેમાં 60 ટકાથી વધુ જમીન સરકાર (મ્હાડા) અને પાલિકાને આપવાની શરત હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer