ગાંધીજીની દોઢસોમી જયંતીએ અંજલિરૂપે `સ્વચ્છતા જ સેવા'' આંદોલન

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 12 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરથી `સ્વચ્છતા જ સેવા' આંદોલન શરૂ કરશે. મોદીએ આ પહેલને બીજી અૉક્ટોબરે ગાંધીજીની 150મી જયંતીના અવસરે અંજલિ ગણાવી હતી.
વડા પ્રધાને પોતાના વીડિયો-સંદેશમાં આ આંદોલનનો ભાગ બનીને `સ્વચ્છ ભારત' બનાવવાના પ્રયાસોને વધુ મજબૂત કરવા નાગરિકોને અપીલ કરી છે. 
આ વખતે બીજી અૉક્ટોબરનું ખાસ મહત્ત્વ એ માટે છે કે ગાંધીજીની 150મી જયંતી હશે અને સાથોસાથ સ્વચ્છ ભારત અભિયાનને ચાર વરસ પૂરાં થશે એવું મોદીએ જણાવ્યું હતું.
વડા પ્રધાને ઉમેર્યું હતું કે બાપુના આશીર્વાદથી જ તમામ ભારતવાસીઓ વીતેલાં ચાર વર્ષમાં સ્વચ્છ ક્રાન્તિના દૂત બની ચૂક્યા છે.
તેમણે ટ્વીટ કરતાં કહ્યું હતું કે 15 સપ્ટેમ્બરે સવારે સાડાનવ વાગ્યે આપણે સૌ સાથે મળીને `સ્વચ્છતા જ સેવા' આંદોલનની શરૂઆત કરીશું. 
મોદીએ સૌની ભાગીદારીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે દેશમાં 8.5 કરોડ શૌચાલયો તૈયાર થઈ ગયાં છે. 90 ટકા ભારતીયોને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે.
આજે ભારતનાં સવાચાર લાખથી વધુ ગામડાંઓ, 430 જિલ્લા અને 2800 શહેર, નગર તેમ જ 19 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ખુલ્લામાં શૌચમુક્ત બની ગયા છે એવું તેમણે ઉમેર્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer