વિઘ્નહર્તાને પણ સુરક્ષાની જરૂર : ગૌડ સારસ્વત મંડળે કઢાવ્યો 265 કરોડ રૂપિયાનો વીમો

વિઘ્નહર્તાને પણ સુરક્ષાની જરૂર : ગૌડ સારસ્વત મંડળે કઢાવ્યો 265 કરોડ રૂપિયાનો વીમો
મુંબઈ, તા. 12 : શહેરમાં ગુરુવારથી શરૂ થતા 10 દિવસના ગણેશોત્સવ માટે મંડળોએ વિવિધ જાતના વીમા લીધા છે. મુંબઈના સૌથી શ્રીમંત ગણાતા ગૌડ સારસ્વત બ્રાહ્મણ ગણેશ મંડળ (જીએસબી) એ 264.75 કરોડ રૂપિયાનો વીમો કઢાવ્યો છે. જ્યારે લાલબાગચા રાજા ગણેશ મંડળે 25 કરોડ રૂપિયાનું વીમા કવર લીધું છે. 
પાંચ દિવસના જીએસબી ના ગણપતિનો પ્રતિ દિવસનો વીમો 52.85 કરોડ રૂપિયાનો છે. વીમામાં ભક્તોની સલામતી અને ગણપતિ બાપાના દાગીના માટે આતંકવાદી હુમલો, અકસ્માત, ચોરી અને બાહ્ય નુકસાન સામે રક્ષણ આપવાનો સમાવેશ છે. 224.40 કરોડ રૂપિયાના સૌથી મોટા વીમામાં સ્વંયસેવક અને કર્મચારીઓના વ્યક્તિ દીઠ 10 લાખ રૂપિયાનો પણ સમાવેશ કરવામાં આવે છે. પંડાલ, સીસીટીવી, ફર્નિચર અને જમીન, કરિયાણું, ફળ, શાકભાજી અને કૉમ્પ્યુટરને  આગ, કુદરતી આફત, રમખાણ, બંધ, રેલવે અને માર્ગ નુકસાન, ઈલેક્ટ્રિકલ નુકસાન, ધરતીકંપ દરેકનો વીમામાં સમાવેશ કરવામાં આવ્યો છે. મંડળોએ ગણેશ ચતુર્થીથી ઘરેણા સુરક્ષિત રીતે બૅન્કમાં ડિપોઝિટ ન થાય ત્યાં સુધીનો વીમો કઢાવ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer