સંજય નિરૂપમે ફરી જીભ કચરી

સંજય નિરૂપમે ફરી જીભ કચરી
મુંબઈ, તા. 12 : કૉંગ્રેસના મુંબઈ એકમના વડા અને ભૂતપૂર્વ સાંસદ સંજય નિરૂપમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે વિવાદાસ્પદ વક્તવ્ય આપ્યું છે.
નિરૂપમે મોદી અંગે અશિક્ષિત અને નાદાન એવા શબ્દો વાપરીને નવો વિવાદ સર્જ્યો છે. નિરૂપમે જણાવ્યું છે કે વડા પ્રધાન મોદીના જીવનના શરૂઆતનાં વર્ષો ઉપર બનાવવામાં આવેલી ફિલ્મ બાળકોને દેખાડવાનો પ્રયત્ન અત્યંત ભૂલ ભરેલો છે. બાળકોને રાજકારણથી દૂર રાખવા જોઈએ એમ નિરૂપમે જણાવ્યું છે.
નિરૂપમે જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ શાળા કે કૉલેજમાં ભણે છે તેઓને મોદી જેવા અશિક્ષિત અને નાદાન વ્યક્તિ વિશે જાણીને વિદ્યાર્થીઓને શું મળશે? આ અત્યંત શરમજનક બાબત છે. આપણા દેશના વિદ્યાર્થીઓ અને નાગરિકોને વડા પ્રધાનની ડિગ્રીની જાણકારી જ નથી એમ નિરૂપમે ઉમેર્યું હતું.
નિરૂપમની ટીકા કરતા ભાજપના મુંબઈ એકમના વડા આશિષ શેલારે જણાવ્યું હતું કે નિરૂપમનું નિવેદન સભ્ય વ્યક્તિને શોભે એવું નથી. તેનો હું નિષેધ કરું છું. કૉંગ્રેસને આ શોભા આપતું નથી અને નિરૂપમે પ્રેરણા વિશે બોલવું જોઈએ નહીં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer