100 વિમાનો ખરીદવા કેન્દ્ર સરકારે ટેન્ડર બહાર પાડયું છે : ચવ્હાણ

100 વિમાનો ખરીદવા કેન્દ્ર સરકારે ટેન્ડર બહાર પાડયું છે : ચવ્હાણ
નાશિક, તા. 12 (પીટીઆઈ): રાફેલ ખરીદીના વિવાદની ચર્ચા ચાલુ છે. ત્યારે કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે 100 મધ્યમ અને વિવિધલક્ષી યુદ્ધવિમાનો ખરીદવા માટે આંતરરાષ્ટ્રીય ટેન્ડર બહાર પાડયું છે.
સ્વૈચ્છિક સંસ્થા દ્વારા યોજવામાં આવેલા `શું મોદી રાફેલ સોદામાં અપરાધી છે?' એ શીર્ષક હેઠળના પરિસંવાદમાં ચવ્હાણે જણાવ્યું હતું કે ઉદ્યોગપતિ મિત્રો અનિલ અંબાણી અને ગૌતમ અદાણીને મદદ કરવા માટે મોદીએ સંરક્ષણ ખાતા સાથે રમત કરવાની શરૂઆત કરી છે. રાફેલના સોદા માટે રિલાયન્સ ડિફેન્સ પછી અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ ઍન્ડ ટેક્નૉલૉજીસ લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે. તેણે સ્વિડનના સબ ગ્રુપ સાથે 100 યુદ્ધવિમાનો ખરીદવાનો સોદો કર્યો છે. અગાઉની યુપીએ સરકારે 126 રાફેલ વિમાનો ખરીદવાની તૈયારી કરી હતી, પણ મોદી સરકારે વિમાન દીઠ 1000 કરોડ રૂપિયા વધુ આપીને 36 રાફેલ વિમાન ખરીદવાનો સોદો કર્યો હતો. દેશની જરૂરિયાતને ધ્યાનમાં લઇને શા માટે 36 રાફેલ વિમાનો ખરીદવામાં આવી રહ્યાં છે? આ સોદાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવવી જોઇએ. વર્ષ 2000માં યુપીએ સરકારે 126 રાફેલ વિમાનો ખરીદવા વિવિધ દેશો માટે બીડ મગાવી હતી અને પછી 126 રાફેલ વિમાનો ખરીદવાનો નિર્ણય લીધો હતો. તેમાંથી 18નું ઉત્પાદન ફ્રાન્સમાં થવાનું હતું. જ્યારે શેષ વિમાનો હિન્દુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડ દ્વારા તેનું ઉત્પાદન થવાનું હતું. વડા પ્રધાન મોદીએ 2015માં ફ્રાન્સની મુલાકાત લીધી હતી. તે સમયે ઊંચી કિંમતે રાફેલ યુદ્ધવિમાન ખરીદવાનો સોદો કરવામાં આવ્યો હતો એમ ચવ્હાણે ઉમેર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણીના વર્ચસ હેઠળના રિલાયન્સ જૂથે કૉંગ્રેસના નેતાઓ અને પ્રવક્તાને રાફેલ યુદ્ધવિમાનોના સોદા અંગે કશું જ નહીં બોલવા માટે કાનૂની નોટિસ આપી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer