આજથી મુંબઈમાં વિઘ્નહર્તાનું સામ્રાજ્ય

આજથી મુંબઈમાં વિઘ્નહર્તાનું સામ્રાજ્ય
તમામ બજારોમાં ધૂમ ખરીદી : મૂર્તિથી લઈને ડેકોરેશનની આઇટમ્સ અને મીઠાઈના ભાવમાં દસથી વીસ ટકાનો વધારો 
 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા.12 : આવતી કાલથી મુંબઈગરાઓનો ગમતીલો ગણેશોત્સવ શરૂ થવા જઇ રહ્યો છે તેના પગલે છેલ્લા બે દિવસથી બજારોમાં રોનક જોવા મળી રહી છે. દાદરની ફૂલ માર્કેટથી લઇને પરાં વિસ્તાર તેમ જ નવી મુંબઈ અને થાણે સુધીના મુંબઈ મેટ્રોપોલિટન રિજનની વિવિધ માર્કેટોમાં લોકો પૂજાવિધિથી લઇને ડેકોરેશન અને પ્રસાદની સામગ્રીની ખરીદી માટે નીકળ્યા છે. 
સોમવારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે બંધનું એલાન હોવાથી લોકો નીકળી શક્યા નહોતા તેથી મંગળવાર અને આજે બુધવારે લગભગ તમામ બજારોમાં લોકોની ભારે ભીડ હતી અને આવી સામગ્રીના વેપારીઓ અચાનક વ્યસ્ત થઇ ગયા હતા. ઘરગુથ્થીથી લઇને સાર્વજનિક ગણપતિ ઉત્સવ માટે ખરીદીમાં ઉછાળો આવ્યો હોવાનું વેપારીઓએ કહ્યું હતું. નવી મુંબઈની એપીએમસી જથ્થાબંધ બજારમાં ખરીદી અને અૉર્ડરો લેવા માટે વેપારીઓની તો દાદર સહિતની માર્કેટોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે પૂજાસામગ્રીથી લઇને વિવિધ ફૂલો અને ડેકોરેશનની વસ્તુઓ તેમ જ મીઠાઇ સહિતની તૈયાર પ્રસાદની વેરાયટીમાં દસથી વીસ ટકાનો ભાવવધારો છે. જોકે પ્રસાદની કાચી સામગ્રીમાં ડ્રાઇફ્રુટ્સ સિવાયની સાકર, ચણાનો લોટ, રવા સહિતની સામગ્રીના ભાવ ગયા વર્ષની સરખામણીએ લગભગ સમાન જ છે. ગ્રાહકોના જણાવ્યા પ્રમાણે મૂર્તિની કિંમતમાં પણ દસથી પંદર ટકાનો વધારો થયો છે. મીઠાઇના એક વેપારીના જણાવ્યા પ્રમાણે કેરળમાં પૂરની પરિસ્થિતિના પગલે નાળિયેરના ભાવ વધ્યા છે અને ડ્રાઇફ્રુટ્સમાં પણ ભાવવધારો હોવાથી ઉકડી અને ખવ્યાના મોદક તેમ જ બરફી જેવી મીઢાઇઓ મોંઘી થઇ છે. 
ગણપતિના ડેકોરેશનમાં અત્યાર સુધી પ્લાસ્ટિક અને થર્મોકૉલ છૂટથી વપરાતું હતું પરંતુ આ વર્ષે સરકારે પ્લાસ્ટિક અને થર્મોકૉલની આઇટમ્સ પર પ્રતિબંધ ફરમાવ્યો હોવાથી બજારોમાંથી તે ગાયબ છે પરંતુ થોડી વધુ રકમ ખર્ચીને ગુપ્ત રીતે બધું મળી રહે છે, એમ એક વેપારીએ કહ્યું હતું. દાદરની બજારમાં તો થર્મોકૉલની તૈયાર સજાવટ અને પ્લાસ્ટિકનાં ફૂલો સહિતની ડેકોરેશનની આઇટમો દુકાનોમાં ગ્રાહકોને સ્પષ્ટ દેખાય એ રીતે જ રાખવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન આ પ્રતિબંધ જાણે કે છે જ નહીં એવું જોવા મળી રહ્યું છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે સરકારે જૂનમાં પ્રતિબંધ મૂક્યો તે પહેલાનો તૈયાર સ્ટૉક બજારમાં મળી રહ્યો છે. થર્મોકૉલ અને પ્લાસ્ટિકની ડેકોરેટિવ આઇટમ્સ તૈયાર કરવાનું કામ જાન્યુઆરી-ફેબ્રુઆરીથી જ શરૂ  થઇ જાય છે. 
પ્લાસ્ટિક અને થર્મોકૉલ પર પ્રતિબંધથી મકરના ડેકોરેશનને પ્રોત્સાહન મળવાની ધારણા હતી પરંતુ પ્રતિબંધ મોડો મુકાયો અને મકરની આઇટમ્સ તૈયાર કરવા માટે કાર્ડબૉર્ડ્સ કે કોરુગેટેડ બૉર્ડ્સનો પૂરતો જથ્થો માર્કેટમાં ઉપલબ્ધ ન હોવાથી મકરની ડેકોરેટિવ્સ આઇટમ્સ બજારોમાં બહુ જ ઓછા પ્રમાણમાં આવી શકી છે. કાંદિવલીના એક ડેકોરેટરના જણાવ્યા પ્રમાણે મને માર્કેટમાંથી જોઇતા પ્રમાણમાં કાર્ડબૉર્ડ્સનો જથ્થો ન મળતાં  ઘરગુથ્થી અને સાર્વજનિક ગણપતિના કેટલાંય અૉર્ડરો રદ કરવા પડયા છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે મકરનો ભાવ પણ થોડો વધુ છે પરંતુ આગામી વર્ષે પૂરતો સમય મળવાથી પર્યાવરણને હાનિ ન પહોંચાડતા મકરનો ભાવ પણ થર્મોકૉલની બરાબર થઇ રહેશે.
Published on: Thu, 13 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer