પાંચ રાજ્યોમાં એકસાથે ચૂંટણી યોજવાની શકયતા ચકાસતું પંચ

પાંચ રાજ્યોમાં એકસાથે ચૂંટણી યોજવાની શકયતા ચકાસતું પંચ
નવી દિલ્હી, તા. 12: ચૂંટણી પંચ મધ્ય પ્રદેશ, મિઝોરામ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની શકયતા ચકાસી રહ્યું છે. આ પાંચ રાજ્યોમાંની ચૂંટણી પ્રક્રિયાઓ ડિસેમ્બરના બીજા સપ્તાહ સુધીમાં પૂર્ણ કરી દઈ શકાશે એમ પંચના એક વરિષ્ઠ પદાધિકારીએ આજે જણાવ્યું હતું.
ભૂતકાળના ચૂંટણી સમયપત્રકો જોતાં છત્તીસગઢમાં ચૂંટણી બે તબક્કે થઈ શકે છે અને બાકી રાજ્યોમાં આ કવાયત એક જ તબક્કામાં પૂરી કરી દઈ શકાશે એમ તેમણે જણાવ્યું હતું.
તેલંગણમાં વિધાનસભા ચૂંટણી યોજવાની તૈયારીને સઘન બનાવતાં પંચે શનિવારે જાહેર કર્યું હતું કે અંતિમ મતદારયાદી તા. 8 ઓકટોબરે જારી થશે. રાજ્ય વિધાનસભા વહેલી વિસર્જિત કરી દેવાયાના પગલે પંચે મતદારયાદીઓ સુધારવાની ચાલી રહેલી પ્રક્રિયા સ્થગિત કરી દીધી છે અને રીવિઝન માટે નવું સમયપત્રક ઠરાવ્યું છે. નવા સમયપત્રક મુજબ સંકલિત મતદારયાદીનો મુસદ્દો દસ સપ્ટેમ્બરે પ્રકાશિત થશે. 
નવી મતદારયાદી પ્રકાશિત થયા બાદ પંચ, ચૂંટણીનું સમયપત્રક જાહેર કરવાને કાનૂની રીતે સજ્જ  થશે એમ આ પદાધિકારીએ જણાવ્યું હતું.
તેલંગણની કેબિનેટે રાજ્ય વિધાનસભા-જેની મુદત અન્યથા જૂન '19માં પૂરી થતી હતી-ના વિસર્જન કરવાની ભલામણ ગયા ગુરુવારે કરી હતી.
મિઝોરામ વિધાનસભાની મુદત તા. 15 ડિસેમ્બરે પૂરી થાય છે, જ્યારે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની વિધાનસભાઓની મુદત અનુક્રમે '19ની પાંચ, સાત અને વીસમી જાન્યુઆરીએ પૂરી થાય છે.
આ ચૂંટણીઓ એક સાથે યોજવાનું આયોજન હોઈ, આ કવાયતને તા.15 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની રહે, જેથી મિઝોરામ વિધાનસભા તે તારીખ પહેલાં રચાઈ જાય.
Published on: Thu, 13 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer