ડૉલર સામે રૂપિયામાં સતત ઘસારાથી રાજ્યની તિજોરીને પડશે 19 કરોડનો ફટકો

ડૉલર સામે રૂપિયામાં સતત ઘસારાથી રાજ્યની તિજોરીને પડશે 19 કરોડનો ફટકો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : અમેરિકી ડૉલરની સામે રૂપિયામાં ચાલી રહેલા ઘસારાથી રાજ્ય સરકારને જોરદાર ફટકો પડવાનો છે. અતિ મહત્ત્વની વ્યક્તિ માટે હેલિકૉપ્ટર ખરીદીમાં રાજ્ય સરકારને 18.16 કરોડ રૂપિયાનો વધારાનો બોજો આવવાની શક્યતા છે.
2018ની 8 મેએ અતિ મહત્ત્વની વ્યક્તિ માટે હેલિકૉપ્ટર ખરીદવાનો નિર્ણય સત્તાવાળાઓએ લીધો હતો ત્યારે એક ડૉલર સામે રૂપિયાનો ભાવ 66.78 હતો, જે હવે વધીને 73 રૂપિયા નજીક પહોંચ્યો છે. અમેરિકાની સિર્કોસ્કી ઈન્ટરનેશનલ અૉપરેશન કંપની પાસેથી 127 કરોડ 11 લાખ રૂપિયામાં એ હેલિકૉપ્ટર ખરીદવામાં આવશે, એવું સત્તાવાળાઓએ જણાવ્યું હતું, પરંતુ હવે દિવસે દિવસે રૂપિયો ગગડતો જાય છે. અમેરિકન ડૉલરની તુલનાએ રૂપિયાની કિંમત 80 રૂપિયા સુધી જવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
ડૉલર સામે રૂપિયો હજી ગગડશે એવો અંદાજ વ્યક્ત કરીને હેલિકૉપ્ટર ખરીદી વિશે શુદ્ધિપત્રક બહાર પડાયું છે. રૂપિયો વધુ ગગડશે તો એ જ હેલિકૉપ્ટર 145 કરોડ 27 લાખ રૂપિયામાં ખરીદવું પડશે. એનો અર્થ એવો થશે કે રૂપિયામાં વધુ ઘસારો થતો રહેશે તો રાજ્ય સરકારે 18.16 કરોડ રૂપિયા વધુ ખર્ચવા પડશે.
હાલ એક જ જેટ વિમાન છે
રાજ્ય સરકારની સેવામાં અત્યારે સ્મોલ એક્ઝિકયુટિવ જેટ વિમાન છે અને એમાં આઠ પ્રવાસીઓની ક્ષમતા છે. મુખ્ય પ્રધાન કે રાજ્યપાલ જેવી અતિ મહત્ત્વની વ્યક્તિ એ જેટ વિમાનમાં પ્રવાસ કરે ત્યારે એક એન્જિનિયર અને એક કેબિન-ક્રૂને સાથે લઈ જવો પડે છે. એવા વખતે એ વિમાનમાં ફક્ત છ વ્યક્તિ જ બેસી શકે છે. અગાઉ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લઈ જતા સરકારની માલિકીના હેલિકૉપ્ટરને નિલંગામાં અકસ્માત નડતા એને સેવામાંથી બાકાત કરી દેવામાં આવ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer