પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓની સમજાવટ પછી હાર્દિકે પારણાં કર્યાં

પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓની સમજાવટ પછી હાર્દિકે પારણાં કર્યાં
હું સમાજ સામે ઝૂક્યો છું, સરકાર સામે નહીં : લડત ચાલુ જ રહેશે
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 12 : આમરણાંત ઉપવાસ આંદોલનના 19મા દિવસે હાર્દિક પટેલે આજે બપોરે સવા ત્રણ વાગ્યે લીંબુ પાણી, નાળિયેર પાણી તેમ જ સાદું પાણી પીને પારણાં કરતાં સમગ્ર કેમ્પસ જય સરદાર, જય પાટીદારના જયઘોષથી ગુંજી ઉઠયું હતું. આ સાથે હાર્દિક તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ, જય જવાન જય કિસાન, ભાજપ તેરી દાદાગીરી-તાનાશાહી નહીં ચલેગીના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉમિયાધામ, ખોડલધામ સહિત તમામ છ પાટીદાર સંસ્થાના આગેવાનો નરેશ પટેલ, પ્રહલાદ પટેલ, સી. કે. પટેલ, રમેશભાઇ દૂધવાલા અને જયરામભાઇ પટેલના હસ્તે હાર્દિકે પારણાં કર્યાં હતાં. ગઢડા સ્વામિનારાયણના એસ.પી. સ્વામીએ હાર્દિકને હાર પહેરાવી  આર્શીવાદ આપ્યા હતા. 
હાર્દિકે પારણાં કરતાં કહ્યું કે, એક મહિનાથી મંજૂરી માગવા છતા મંજૂરી મળી નહોતી ત્યારે સમાજના કહેવાથી આ પારણાં કર્યાં છે. સમાજની લાગણી હતી કે, જીવીશું તો લડીશું, લડીશું તો મેળવીશું. સમાજમાં નાના-મોટાની ખાઇ પુરવાનું આજે કામ થયું છે. સમાજના વડીલો સાથ આપે તે જરૂરી છે. સમાજના વડીલો સામે કોઇ વિરોધ નથી. વડીલોએ અમને માન, સન્માન અને મોભો આપ્યો છે. હું સમાજ સામે ઝુક્યો છું, સરકાર સામે નહીં. હાર્દિકે કહ્યું કે, 19-19 દિવસ સુધી ન્યોછાવર થઇ ગયા, ઘણા ક્રાતિવીર થયા તો ઘણા અંગ્રેજો થઇ ગયા. આ ખેતરો ખેડતા ખેડૂતો માટેની લડાઇ છે, આલીશાન બંગલામાં રહેતા લોકો માટેની લડાઇ નથી. જેને સારા માર્ક્સ છતાં એડમિશન મળતું નથી તેમના માટેની લડાઇ છે. ભાજપ-કૉંગ્રેસથી આપણને શું મતબલ! આપણને આપણા અધિકારોથી કામ છે. સમાજમાં યુવાનોનું કામ હોય છે, માગણી માટે લડી લેવું, ભગતસિંહ બનવા નીકળ્યો તો દેશદ્રોહી બની ગયો અને ગાંધીજી બનવા નીકળ્યો તો નજરકેદ થઇ ગયો. અમારી લડાઇ  ખેતરમાં મહેનત મજૂરી કરતા જે લોકો પાસે ખાતર લેવા પૈસા નથી, તે માટેની છે અને આ લડાઇમાં સમાજના વડીલો સાથે તેવી અમારી માગણી અને લાગણી છે. બંધારણીય માગણી કરીએ છીએ, વડીલો સરકાર સાથે ચર્ચા કરશે તો અમને ગમશે. સરકારને જેટલું કહેવાય તેટલું કહેજો, અમને ખોટું નહીં લાગે પણ કહેજો. સમાજના વડીલોના માન અને સન્માન માટે આ ઉપવાસના પારણાં છે. સમાજના વડીલો મારી સાથે છે ત્યારે મારે કોઇનાથી ડરવાનું નથી. તમારા હાથે પાણી પીવું તે ગમ્યું, નહીં તો હું ઘોડો છું, થાકી જાવ તેમ નથી.  હું કણબીનો દીકરો છું, ખેતરમાંથી ધન અને ધાન્ય પેદા કરનારા છીએ. જીભ કડવી છે, હાથમાં કુહાડી રાખીએ છીએ એટલે મોઢામાંથી ક્યારેક સુગંધી વાતો ન આવે. બાકી ડીસીપી રાઠોડ જેવાને સાંખી લેવાના હોય તો ખાઇ રહેવાની છે. સરકારે સાબિત કર્યુ છે કે, અમારે પાટીદાર સમાજની જરૂર નથી. ડીસીપી રાઠોડ જેવા અધિકારીઓથી બાજી સંભાળી લઇશું. તેઓને મારા મોતની પડી નથી.   
દરમિયાન પાટીદાર આગેવાનો સી. કે. પટેલ અને નરેશ પટેલે  હાર્દિકની ઉપવાસ છાવણી ખાતે પહોંચીને પાટીદાર સમાજની એકતા અને સંગઠનની વાત કરી પાટીદાર યુવાનોને બિરદાવ્યા હતા. તેમણે કહ્યું કે, આજે વડીલો બેઠા છે, કાલે અમે નહીં હોઇએ ત્યારે જવાબદારી તમારે માથે આવવાની છે. કોઇ બહારનો વ્યક્તિ આવી તમારા ભાગલા ના પડાવે, તમે સંગઠિત રહેજો. 
Published on: Thu, 13 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer