અમદાવાદમાં સામૂહિક આપઘાત : કાળો જાદુ જવાબદાર? : સુસાઇડ નોટમાં ઉલ્લેખ

અમદાવાદમાં સામૂહિક આપઘાત : કાળો જાદુ જવાબદાર? : સુસાઇડ નોટમાં ઉલ્લેખ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.12: અમદાવાદમાં નરોડા વિસ્તારમાં પત્ની અને પુત્રીની હત્યા કર્યા પછી પતિએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસને તેના ઘરમાંથી સૂસાઇડ  નોટ મળી આવી હતી. જેમાં કોસ્મેટિકના વ્યવસાય સાથે સંકળાયેલા કુણાલ ત્રિવેદીએ કાળી વિદ્યા અને દારૂ પીવાની લતના પગલે આવું પગલું ભર્યુ હોવાનો ઉલ્લેખ કર્યો છે. 
પોલીસ સૂત્રોના કહેવા અનુસાર નરોડામાં હરિદર્શન ચોકડી પાસે આવેલા અવનિ ફ્લેટમાં રહેતા વેપારી  પરિવારે કોઇ અગમ્ય કારણોસર સામૂહિક આપઘાત કર્યો છે. પત્ની કવિતા અને પુત્રી  શ્રીનીને ઝેર પીવડાવ્યા બાદ કુણાલ ત્રિવેદીએ ગળાફાંસો ખાઇ  આપઘાત કર્યો છે. પોલીસને ઘરમાંથી સ્યૂસાઇડ  નોટ મળી આવી છે જેમાં કાળી શક્તિઓથી પરિવાર પરેશાન હોવાનો ઉલ્લેખ કરાયો છે. સ્યૂસાઇડ  નોટમાં લખ્યું છે કે, મમ્મી તમે ક્યારેય મને સમજી ન શક્યા, મેં ઘણી વખત કાળા જાદુ વિશે જણાવ્યું હતું. પરંતુ ક્યારેય તમે માન્યા નહીં અને દારૂનું કારણ બતાવ્યું. સ્યૂસાઇડ  નોટમાં એ પણ લખવામાં આવ્યું છે કે અમે ક્યારેય આત્મહત્યા ન કરી શકીએ, પરંતુ કાળી શક્તિઓને કારણે આત્મહત્યા કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, કુણાલભાઇના બેન-બનેવી અને પરિવારના અન્ય સંબંધીઓ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં રહે છે તેમ જ ઘરમાં તેમના વૃદ્ધ માતા હતાં, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer