નવી પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન યોજનાને મંજૂરી

નવી પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન યોજનાને મંજૂરી
ખેડૂતોનાં હિતોની રક્ષા કાજેનું દીર્ઘકાલીન પગલું
 
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 12 : કેન્દ્રીય કૅબિનેટે આજે નવી છત્ર યોજના ``પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન'' (પીએમ-આસ્થા)ને મંજૂરી આપી હતી. આ સ્કીમનો હેતુ ખેડૂતોને તેમના ઉત્પાદનોના વળતરરૂપ ભાવોની ખાતરી આપવાનો છે. જેની જાહેરાત અગાઉ બજેટ 2018ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી.
નવી દિલ્હી ખાતે પત્રકારોને આની માહિતી આપતાં કૃષિ પ્રધાન રાધામોહન સિંહે જણાવ્યું હતું કે, આ પગલાંથી સરકારની ખેડૂતતરફી પહેલને ભારે વેગ મળશે. આ નવી છત્ર સ્કીમમાં ખેડૂતોને વળતરરૂપ ભાવોની ખાતરી આપતી યંત્રણાનો, ટેકારૂપ ભાવોની સ્કીમ, પ્રાઇઝ ડેફિસિયન્સી પેમેન્ટ સ્કીમ તેમ જ પ્રાઇવેટ પ્રોકયોરમેન્ટ અને સ્કોકિસ્ટ સ્કીમનો સમાવેશ થાય છે. આ સ્કીમનો હેતુ ખેડૂતોની આવકને સુરક્ષા પ્રદાન કરવાનો છે અને ખેડૂતોના કલ્યાણ માટેનું આ એક દીર્ઘકાલીન પગલું છે.
કૅબિનેટે એવો પણ નિર્ણય કર્યો હતો કે, પ્રાપ્તિની કાર્યવાહીમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને સામેલ કરવી જોઈએ જેથી ખાનગી ભાગીદારીના દાયરાને સમજીને તેને વધારી શકાય. સરકારે ખરીફ પાકના લઘુતમ ટેકાના ભાવ ઉત્પાદન ખર્ચ કરતાં દોઢ ગણા વધારી દીધા છે. એવી ધારણા રાખવામાં આવી રહી છે કે, લઘુતમ ટેકાના ભાવોના વધારાને કારણે રાજ્ય સરકારો સાથે પ્રાપ્તિ યંત્રણા સંકલન દ્વારા ખેડૂતોની આવક વધારી શકાશે.
કૅબિનેટે આગામી બે નાણાકીય વર્ષમાં ``પીએમ-આસ્થા''ના અમલ માટે રૂપિયા 15,053 કરોડ મંજૂર કર્યા છે જેમાંના રૂપિયા 6250 કરોડ આ વર્ષે ખર્ચાશે.
Published on: Thu, 13 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer