ભારત છોડતાં પહેલાં નાણાપ્રધાન જેટલીને મળ્યો હતો : માલ્યા

ભારત છોડતાં પહેલાં નાણાપ્રધાન જેટલીને મળ્યો હતો : માલ્યા
જેટલીએ કહ્યું, માલ્યાનું નિવેદન તથ્યોથી દૂર : વિપક્ષે સરકાર પાસે માગી સ્પષ્ટતા : પ્રત્યાર્પણ વિશે 10 ડિસેમ્બરે ચુકાદો
 
લંડન/નવી દિલ્હી, તા. 12 (પીટીઆઈ) : ઝઝૂમી રહેલા લિકર ટાયકૂન વિજય માલ્યાએ બુધવારે જણાવ્યું હતું કે ભારત છોડવા પૂર્વે તેઓ નાણાપ્રધાનને મળ્યા હતા અને તેમને એમ જણાવ્યું હતું કે તેઓ લંડન જઈ રહ્યા છે. આ સનસનાટીભર્યા દાવાને અરુણ જેટલીએ `તથ્યોથી ખોટા' દાવા તરીકે ફગાવી દીધો હતો.
જેટલીએ રદિયો આપ્યા બાદ તરત જ માલ્યાએ તેમની ટિપ્પણોની ગંભીરતાને એવું કહીને મોળી બનાવી હોવાનું જણાયું હતું કે આ મુદ્દે વિવાદ સર્જવો `વાજબી' નથી કારણ કે તે `ઔપચારિક મુલાકાત' નહોતી અને તેઓ માત્ર નાણાપ્રધાનને મળ્યા હતા.
શરાબના કારોબારી વિજય માલ્યાના પ્રત્યાર્પણની ચાલી રહેલી સુનાવણી દરમિયાન માલ્યાએ એક નિવેદન આપીને ઘડાકો કર્યો છે. માલ્યાએ કહ્યું હતું કે, તેણે ભારત છોડતા પહેલા નાણામંત્રી અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત સમાધાન માટે કરવામાં આવી હતી. પરંતુ બેંકોએ સમાધાન માટેની યોજના ઉપર સવાલ ઉઠાવ્યા હતા. માલ્યાના નિવેદન બાદ વિપક્ષે મોદી સરકારને ઘેરવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને સરકારનો જવાબ માગ્યો હતો. જેના પરિણામે નાણામંત્રીને તાકીદે નિવેદન આપવાની ફરજ પડી હતી. જેટલીએ માલ્યાના નિવેદનને તથ્યાત્મક રીતે ખોટું અને સત્યથી દૂર ગણાવ્યું હતું. આ જ કારણથી મુલાકાતનો કોઈ સવાલ જ ઉઠતો ન હોવાનું ઉમેર્યું હતું. જ્યારે કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું હતું કે, ભાગેડુનો સાથ અને લુંટારાનો વિકાસ એ જ ભાજપનું લક્ષ્ય છે. વિવાદ વચ્ચે હવે આગામી 10મી ડિસેમ્બરના રોજ માલ્યાના પ્રત્યાર્પણ ઉપર લંડનની કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer