શૅરબજારોને પહેલું નોરતું ફળ્યું : સેન્સેક્ષ 461, નિફટીમાં 159 પૉઈન્ટ્સનો ઉછાળો

શૅરબજારોને પહેલું નોરતું ફળ્યું : સેન્સેક્ષ 461, નિફટીમાં 159 પૉઈન્ટ્સનો ઉછાળો
આઈટી સિવાય તમામ ક્ષેત્રના શૅર્સમાં જોરદાર ખરીદી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : શૅરબજારમાં આજે એક્રોસ ધ બોર્ડ લેવાલીને લીધે શરૂઆતથી અંત સુધી બજારમાં સુધારો જોવાયો હતો. ક્રૂડતેલના ભાવમાં દબાણ અને વૈશ્વિક બજારમાં ડૉલરનું મૂલ્ય ઘટવા સામે રૂપિયાનું મૂલ્ય સુધરવાથી સ્થાનિક બજારમાં સંગીન લેવાલી સાથે પંટરોએ પૂરબહાર તેજી પકડવાથી એનએસઈમાં નિફ્ટી 159 પૉઈન્ટના સુધારે ટ્રેડિંગ અંતે 10,460 બંધ રહ્યો હતો. જેને પગલે બીએસઈ સેન્સેક્ષ 461 પૉઈન્ટના વધારા સાથે બજાર અંતે 34,760 બંધ હતો. આજની તેજીની પ્રચંડ રૅલીમાં નિફ્ટીના કુલ 41 શૅરના ભાવ વધ્યા હતા, જ્યારે માત્ર 9 શૅર સુધારો ચૂકી જઈને નામમાત્રના ઘટાડે બંધ રહ્યા હતા.
આજના સુધારામાં નિફ્ટી બૅન્કેકસ 3 ટકા, જ્યારે મિડકેપ ઈન્ડેક્સમાં 4 ટકાનો સુધારો થયો હતો. પીએસયુ ઈન્ડેક્સ પણ ટ્રેડ અંતે 4 ટકા સુધર્યો હતો. જોકે, નિફ્ટી આઈટી સૂચકાંક 1.5 ટકા ઘટાડે હતો. બાકીના સેક્ટોરિયલ સૂચકાંક પણ સકારાત્મક રહ્યા હતા.
છેલ્લાં ઘણાં સેશનથી સતત ધોવાયેલા નાણાકીય સેવા અને ધિરાણ ક્ષેત્રના શૅરોમાં નીચા ભાવે રોકાણરૂપી લેવાલી આવી હતી, જેમાં એક્સિસ બૅન્ક રૂા. 36, બજાજ ફીનસર્વ રૂા. 532, બજાજ ફાઈનાન્સ રૂા. 210, એસબીઆઈ રૂા. 16 વધ્યા હતા, જ્યારે ક્રૂડતેલના ભાવ ઘટવાથી બીપીસીએલ અને એસપીસીએલ અનુક્રમે રૂા. 8 અને રૂા. 9 સુધારે રહ્યા હતા. તમામ શૅરોમાં  સંગીન તેજીને લીધે આરઆઈએલ રૂા. 12, ગ્રાસીમ અને એલઍન્ડટી અનુક્રમે રૂા. 8 અને રૂા. 30 વધ્યા હતા, જ્યારે મેટલ ક્ષેત્રે ટિસ્કો રૂા. 11 અને વેદાન્ત રૂા. 6 વધ્યા હતા. સતત ઘટેલા અૉટો શૅર્સ સ્પ્રિંગની જેમ આજે ઊછળ્યા હતા. આઈશર મોટર્સ આજે રૂા. 1496 અને મારુતિ સુઝુકી રૂા. 280 સાથે તાતા મોટર્સ રૂા. 4 વધ્યો હતો. ભારતી ઍરટેલ રૂા. 6, જ્યારે એશિયન પૅઈન્ટમાં રૂા. 25 અને એચયુએલ રૂા. 15, ગેઈલ રૂા. 3, એચડીએફસી રૂા. 24 અને ઈન્ડિયાબુલ્સ રૂા. 30 વધ્યો હતો, જ્યારે ખાનગી બૅન્કોમાં યસ બૅન્ક રૂા. 9, કોટક બૅન્ક રૂા. 29 અને ઈન્ડસઈન્ડ રૂા. 32 વધ્યો હતો.
જેની સામે ઘટનાર શૅરોમાં આઈટી અગ્રણી શૅરો ઈન્ફોસિસ રૂા. 17, ટીસીએસ રૂા. 48, વિપ્રો રૂા. 5.70, એચસીએલ ટેક્નૉલૉજીસ રૂા. 16 અને સનફાર્મા રૂા. 7, જ્યારે ભારતી ઈક્રાટેલ રૂા. 8 ઘટયો હતો.
એનલિસ્ટોના અનુમાન પ્રમાણે નિફ્ટીમાં 10,200 ઉપર 10,500 સુધી બજાર ઊભરવાની આગાહી અગાઉ થઈ હતી. હવે આવતી કાલે 10,500 ઉપર બંધ આવે તો બજારમાં સુધારો ટકી શકે છે. જો અર્થવ્યવસ્થાના આંકડા અપેક્ષા મુજબ નહીં આવે તો બજારમાં પુન: સંગીન વેચવાલીનો દોર આગળ વધશે. મની કન્ટ્રોલના એનલિસ્ટના જણાવ્યા પ્રમાણે નિફ્ટીમાં દૈનિક ધોરણે ચાર્ટ પર કેન્ડલ સ્ટિક પેટર્ન ઊભરી છે. આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 3.7 ટકા વધીને 13998 ક્વૉટ થયો હતો.
વ્યક્તિગત શૅરોમાં આજે ટ્રેડ દરમિયાન અદાણી પાવર 29 ટકા વધ્યો હતો. નિષ્ણાત કમિટીએ આગામી 10 વર્ષ માટે કંપનીને ભાવવધારાની મંજૂરી આપવાથી ભાવ સુધર્યો હતો, જ્યારે ભારત આર્યમુવર્સ (બીઈએમએલ) રૂા. 41 વધીને રૂા. 587 ક્વૉટ થયો હતો.
વૈશ્વિક - એશિયન બજારો
આંતરરાષ્ટ્રીય બજારોમાં ટ્રેડ વૉરની ચિંતાને લીધે અર્થવ્યવસ્થામાં નબળાઈનાં ચિહ્નોને લીધે એશિયન બજારોમાં શૅરોના ભાવ 8 અઠવાડિયાંના તળિયે ગયા હતા. જોકે, એમએસસીઆઈએસ બ્રોડેસ્ટ ઈન્ડેક્સ (એશિયા પેસિફિક શૅર) 0.3 ટકા ઊંચો હતો, જ્યારે જપાનમાં નિક્કી 0.2 ટકા અને અૉસ્ટ્રેલિયન બૅન્ચમાર્ક નગણ્ય 0.1 ટકા સુધારે હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer