મહારાષ્ટ્રમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની અૉનલાઈન નોંધણીનો આરંભ

મહારાષ્ટ્રમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની અૉનલાઈન નોંધણીનો આરંભ
પૂણે, તા. 10 : મહારાષ્ટ્ર સરકારે લઘુતમ ટેકાના ભાવે મગ, અડદ અને સોયાબીનની ખરીદીની પ્રક્રિયાના ભાગરૂપ ખેડૂતો માટે અૉનલાઈન નોંધણીનો આરંભ કર્યો છે. નોંધણીની પ્રક્રિયા 25 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે.
રાજ્યના સહકાર પ્રધાન સુભાષ દેશમુખે કહ્યંy હતું કે સોયાબીન અને કઠોળની ટેકાના ભાવે ખરીદી કરવાની પરવાનગી મેળવવા રાજ્ય સરકારે કેન્દ્રનો સંપર્ક કર્યો હતો.
હાલમાં મગ, અડદ અને સોયાબીનના ભાવ ટેકાના ભાવ હેઠળ છે, તેથી રાજ્ય સરકાર દ્વારા જે જણસોની ખરીદી થાય તે એમએસપી હેઠળ થાય એવી માગણી સરકારને કરી છે.
મગનો પાક 14.7 લાખ ક્વિન્ટલ થવાનો અંદાજ છે અને 4 લાખ ક્વિન્ટલની ખરીદીનો પ્રસ્તાવ છે. અડદનો પાક પણ 14.7 લાખ કિવન્ટલ અને 3.50 લાખ ક્વિન્ટલની ખરીદીની દરખાસ્ત છે, જ્યારે સોયાબીનનો પાક 450 લાખ ક્વિન્ટલ અને ખરીદી 25 લાખ ક્વિન્ટલ થવાનો પ્રસ્તાવ હોવાનું સરકારી અધિકારીએ જણાવ્યું હતું. મગનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 6975, અડદનો રૂા. 5575 અને સોયાબીનનો રૂા. 3390 પ્રતિ ક્વિન્ટલ છે.
સરકારની યંત્રણા ધીમી ગતિએ આગળ વધી રહી છે. નોંધણીની પ્રક્રિયાને સંપૂર્ણપણે કાર્યરત થતાં સમય લાગશે. અત્યારેતો મગ અને અડદનો પાક લેતાં ખેડૂતો માટેનો નોંધણીનો સમય પૂરો થઈ ગયો છે, જ્યારે સોયાબીન માટેનો નોંધણીનો સમય 31 અૉક્ટોબર સુધી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer