ડૉલરની તેજીને લીધે સોનામાં નરમાઈ

ડૉલરની તેજીને લીધે સોનામાં નરમાઈ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ.તા. 10 : શૅરબજારમાં ઉછાળો આવવાને લીધે સોના-ચાંદીની મંદી આગળ ધપી હતી. ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ 1189 ડૉલર હતો. સોનાએ રોકાણ માટેની ચમક ગુમાવી દીધી હોય તેવી સ્થિતિ છે. ડૉલર અને અમેરિકાના વ્યાજદરના મુદ્દાને લીધે રોકાણકારો ફફડાટ અનુભવી રહ્યા છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી ડૉલરમાં તેજી છે અને બોન્ડના યિલ્ડમાં સુધારો થઇ રહ્યો છે એ સોના માટે હજુ નકારાત્મક કારણો બની રહ્યા છે.2018ના આરંભે સોનામાં તેજી હતી. હવે તે સપાટી વર્ષાન્તે પણ થાય એવું દેખાતું નથી. રોકાણકારો સોના સિવાયની ચીજો તરફ આકર્ષાયા છે. એમાં બોન્ડ અને ડૉલર મોખરે છે. ગયા મહિને અમેરિકાએ વર્ષનો ત્રીજો વ્યાજદર વધારો કર્યો છે. હજુ ડિસેમ્બરમાં દર વધશે એટલે નાણાનીતિ સખ્ત બને તેવી કોઇ શક્યતા દેખાતી નથી.
પાછલા દોઢેક માસથી 30-35 ડૉલર જેટલી જ વધઘટ સોનામાં થઇ રહી છે. 1180 ટેકારૂપ સ્તર છે. એ તૂટે તો 1168 સુધી જવાની સંભાવના છે. ઊંચામાં 1210 વટાવે તો જ તેજી શક્ય છે. ક્રૂડ તેલના ભાવમાં તેજી હોવાને લીધે સોનું 1150ની નીચે જાય તેવી શક્યતા ઓછી છે. રાજકોટમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂા. 31,700ના સ્તરે સ્થિર હતું. મુંબઇમાં રૂા. 31,205 હતું. ચાંદી ન્યૂ યોર્કમાં 14.36 ડૉલર હતી. સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા. 150 વધીને રૂા. 38,750 હતી. મુંબઇમાં રૂા. 155 વધીને રૂા. 38,015 હતી.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer