કેન્દ્ર અને રાજ્યના જીએસટી અધિકારીઓ એક બીજાની સત્તામાં પ્રવેશી અસેસમેન્ટ કરી શકશે

કેન્દ્ર અને રાજ્યના જીએસટી અધિકારીઓ એક બીજાની સત્તામાં પ્રવેશી અસેસમેન્ટ કરી શકશે
બે સત્તા વચ્ચેના કથિત સંઘર્ષનો ભોગ બનવાની વેપારીઓને ચિંતા 
નવી દિલ્હી, તા. 10 : ગૂડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ વસૂલવાનો અધિકાર ધરાવતી કેન્દ્ર અને રાજ્યની સત્તાઓને રાજ્યનાં તમામ એસેસી સામે હિસાબ માગવાનો અને તેમાં ગેરરીતિ થાય તો પગલાં લેવાનો અધિકાર છે, એવી સ્પષ્ટતા કેન્દ્ર સરકારે કરતાં વેપાર અને ઉદ્યોગ જગતમાં આ બંને સત્તા વચ્ચે તેમનો ખો નીકળી જવાની ભીતી નિર્માણ થઇ છે. 
તમામ કરદાતાઓ સામે ગુપ્ત માહિતીના આધારે રાજ્ય અને કેન્દ્ર સરકારના જીએસટી અધિકારીઓ પગલાં લઇ શકે છે પછી ભલે કરદાતા માત્ર રાજ્યની સીમા હેઠળ જ બિઝનેસ ધરાવતો હોય, એમ સેન્ટ્રલ બોર્ડ અૉફ ઇન્ડાઇરેક્ટ ટેક્સિસ અને ક્સટમ્સ મેમ્બર મહેન્દ્ર સિંહે જીએસટી કાઉન્સિલની બેઠકની મિનટ્સને ટાંકતાં જણાવ્યું છે. 
અત્યારે એસેસમેન્ટ માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સ્પષ્ટ ભેદરેખા છે જેમાં રૂા. 1.5 કરોડ સુધીના બિઝનેસ ધરાવતા વેપારીઓના અસેસમેન્ટ માટે રાજ્ય સરકારને સત્તા છે અને તેથી ઉપરના ટર્ન ઓવર માટે કેન્દ્રને વિશેષ સત્તા અપાયેલી છે પણ જીએસટી કાઉન્સિલની બેઠકમાં આવેલી સ્પષ્ટતા બાદ કેન્દ્ર અને રાજ્યની જીએસટી સત્તા હેઠળ આવતા અધિકારીઓ તેમને મળેલી ગુપ્ત માહિતીના આધારે કરદાતા સામે પગલાં લઇ શકશે. 
રાજ્યની હેઠળ આવતા કરદાતા અને કેન્દ્રના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા કરદાતા ઉપર કોઇપણ સત્તા હેઠળ આવતા જીએસટી અધિકારી પગલાં લઇ શકશે, એ બાબત સ્પષ્ટ થઇ છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer