શનિવાર સુધી ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે

મુંબઈ, તા. 10 : મુંબઈગરાને હાલ `અૉક્ટોબર હિટ'ને કારણે ઉનાળા જેવી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી થોડા દિવસ મુંબઈગરાને ગરમી સહન કરવી પડે એવી શક્યતા છે.
મુંબઈમાં મંગળવારે ઉષ્ણતામાન સાંતાક્રુઝમાં 37.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું, જ્યારે કોલાબામાં થોડું ઓછું એટલે કે 33.5 ડિગ્રી સેલ્શિયસ ઉષ્ણતામાન નોંધાયું હતું. આવતી 13મી અૉક્ટોબર સુધી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ ઘટે એવી શક્યતા નથી.
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આબોહવા પરિવર્તન અંગે નિમાયેલી સમિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઉષ્ણતામાનમાં વધારાને રોકવા માટેના પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે અને તેથી ઝડપથી વધતાં ઉષ્ણતામાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ઉષ્ણતામાન વધારાનાં પરિણામ અપેક્ષા કરતાં વધુ જલદ ગતિથી સામે આવી રહ્યાં છે. હાલનું ઉષ્ણતામાન એક અંશ જેટલું વધ્યું છે તેથી સમુદ્રની સપાટીમાં પણ વધારો થયો છે. વાવાઝોડું, પૂર અને તેના લીધે દુષ્કાળ જેવાં પરિણામો સામે આવી રહ્યાં છે. આ ઉષ્ણતામાન હજી ત્રણથી ચાર અંશ જેટલું વધી શકે છે. ઉષ્ણતામાન વધારાની ગતિ યથાવત્ રહી તો વર્ષ 2030 સુધીમાં ઉષ્ણતામાન દોઢ અંશ સેલ્શિયસ સુધી પહોંચશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer