પાક અર્થતંત્રમાંની ચીનની વધતી સામેલગીરી આપત્તિ નોતરશે : આઈએમએફની ચેતવણી

ઈસ્લામાબાદ, તા. 10: પાકના અર્થતંત્રમાં ચીનની સામેલગીરી વધવાનું પાક માટે આફતજનક નીવડશે એવી ચેતવણી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના મુખ્ય અર્થશાત્રી મોરીસ ઓસ્ટફેલ્ડે આપી છે.પાકની મધ્યસ્થ બેન્કે કરેલા અવમૂલ્યન પછી પાકનું ચલણ મંગળવારે વધુ 7 ટકા નીચું ગગડતાં પાકે આઈએમએફ પાસે ઓર એક બેઈલઆઉટ માગવાના આયોજનની પાક સરકારે જાહેરાત કર્યા બાદ આઈએમએફનું નિવેદન આવ્યું છે.
ઈમરજન્સી લોન માટે આઈએમએફને અનુરોધ કરવાને નાખુશ વડા પ્રધાન ઈમરાન ખાને ગઈ કાલે જણાવ્યું હતું કે ચૂકવણીની તુલાની કટોકટીના નિરાકરણ માટે પાકે કદાચ આઈએમએફ ભણી જ પાછા ફરવાની જરૂર પડશે.
આઈએમએફ પાકને હવે વધુ લોન આપવા બાબતે ટીકાત્મક છે કારણ કે તેની મોટા ભાગની રકમ, સિલ્ક રોડ પ્રોજેકટ સબબ, ચીનને કરજ પેટેની ચૂકવણીમાં જ વપરાવાની હોય છે.
અમેરિકા સાથેના સંબંધોમાં તનાવ પ્રવર્તતો રહેલો હોઈ તાજેતરના વર્ષોમાં પાક ચીન સાથે  સંબંધો ગાઢ બનાવવા પ્રયાસ કરી રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer